Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

અમદાવાદના શાહપુર નાગોરીવાડમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે પથ્થરમારો થતા અફડાતફડી

અમદાવાદ:શહેરના શાહપુર નાગોરીવાડમાં ગુરુવારે રાતે બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. પથ્થરમારાના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જયારે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. શાહપુર પોલીસ, ક્રાઈમ બ્રાંચ, પીસીબી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જતા મામલો કાબૂમાં આવ્યો હતો. પથ્થરમારો એટલો ભારે હતો કે, રોડ પથ્થરોથી ઢંકાયેલો જોવા મળ્યો હતો. પથ્થરમારાની ઘટનામાં પાંચેક લોકોને ઈજા પહોંચી હતી. જયારે દસેક જેટલા વાહનોને નુકસાન થયું છે.

શાહપુરના નાગોરીવાડ વિસ્તારમાં આજે રાતે જુદીજુદી કોમના બે યુવકો વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી, ઝઘડા બાદ મારામારી થઈ હતી. જેના પગલે ગણતરીની મીનીટોમાં બંને જૂથ સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરુ કરી દીધો હતો. પથ્થરમારો એટલો જોરદાર હતો કે, વાહનો ઉપરાંત આસપાસમાં આવેલા મકાન અને દુકાનના બારી-બારણાને પણ નુકસાન થયું હતું. પથ્થરમારાના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. એક તબક્કે આસપાસના વિસ્તારમાં લોકોએ પથ્થરમારાની જાણ થતા નાસભાગ મચી ગઈ હતી. શાહપુર પોલીસને જાણ થતાની સાથે જ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. શાહપુર પોલીસની મદદે આસપાસના પોલીસ સ્ટેશનનો કાફલો, ક્રાઈમ બ્રાંચ અને પીસીબીની ટીમ આવી જતા તોફાનીઓ તુરંત વિખેરાઈ ગયા હતા.

ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પથ્થરમારાના પગલે દોડી આવ્યા હતા. શાહપુર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા ઉપરાંત પોલીસ પેટ્રોલીંગ શરુ કરી દેવાયું છે. બીજી તરફ શાહપુર પોલીસે તોફાની તત્વોને ઝડપી લેવા તેમજ પથ્થરમારામાં ઘાયલ થયેલા લોકોની માહિતી મેળવી તોફાન પાછળનું કારણ જાણવા કાર્યવાહી આરંભી છે.

(6:47 pm IST)