Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

રાજ્યમાંથી ૭ હજાર શિક્ષકોને છુટા કરવામાં આવશે

શિક્ષણાધિકારી કચેરીઓએ બહાર પાડયા પરિપત્ર

અમદાવાદ તા. ૨૨ : રાજયમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકો માટે માઠા સમાચાર છે, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં લગભગ ૭ હજાર જેટલા પ્રવાસી શિક્ષકોને ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ બાદ ફરજ મુકત કરવાની કહેવામાં આવ્યું છે.

 

માહિતી પ્રમાણે, રાજયમાંથી લગભગ ૭૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકો ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતરીય માધ્યામિક શાળાઓમાં ફરજ બજાવી રહ્યાં છે. જેઓને ૧લી જાન્યુઆરી ૨૦૧૮થી ફરજમુકત કરવામાં આવશે. આ અંગેનો પરિપત્ર દરેક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓએ આપી દીધો છે. જોકે, આ નિર્ણયને લઇને હવે બોર્ડ પરીક્ષા, ધોરણ ૯ અને ૧૧માંની વાર્ષિક પરીક્ષા પર ગંભીર અસર પડી શકે છે.

નોંધનીય છે કે, ગુજરાત રાજયમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભારે દ્યટ રહેતી હોવાના કારણે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા. ૨૧-૧૨-૨૦૧૫થી શિક્ષકોની ખાલી જગ્યા પર માનદ વેતનથી પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવાની યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેને પગલે અત્યારે રાજયમાં લગભગ ૭ હજારથી વધુ પ્રવાસી શિક્ષકો શિક્ષણનું કાર્ય સંભાળી રહ્યાં છે.

કમિશ્નર માધ્યમિક શાળાઓના તા. ૨-૬-૨૦૧૭ના પરિપત્રથી આ શિક્ષકોની સેવા તા.૩૧-૧૨-૨૦૧૭ સુધી જ લેવાની હોય રાજયના અનેક જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી દ્વારા પ્રવાસી શિક્ષકોની સેવા તા.૩૧-૧૨-૨૦૧૭ સુધી જે લેવા અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ફેલાઇ ગઇ છે.(૨૧.૨૯)

 

(3:34 pm IST)