Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

વડોદરામાં સ્ટેશનરીના પાર્સલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:એક આરોપીની ધરપકડ

 વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂ.3,32,500ની કિંમતનો મુદ્દામાલ કબજે

વડોદરા :ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીના પગલે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચૂંટણી ટાણે રાજ્યમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરનાર અસામાજીક તત્વો સામે પોલીસ લાલ આંખ કરી છે. એક બાદ એક વિવિધ વિસ્તારોમાંથી દારૂના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. ગઈ કાલે વડોદરાની જે.પી.પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પણ દારૂનો જથ્થો લઈને જઈ રહેલા એક આરોપીની ધરપકડ કરી હતી. અને તેની પાસેથી મળી આવેલા વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂ.3,32,500ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. 

ગઈ કાલે વડોદરા શહેરની જે.પી.રોડ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા સ્ટેશનરીના પાર્સલની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થાની હેરાફેરી કરતાં ઈસમને મુજમહુડા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત રોજ 21 નવેમ્બરે જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસની ટીમને બાતમી મળી હતી કે, મુજમહુડા સર્કલથી સફેદ કલરની સ્વીફ્ટ કારમાં અશ્વીન ઉર્ફે ગગી S/O ચંદુલાલ જનસારી (રહે.પાદરા) પાર્સલની આડમાં પોતાના આર્થિક ફાયદા સારૂ ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી લાવી હાલમાં ઈંગ્લીશ દારૂ લઈ પસાર થનાર છે.

આ બાતમીના આધારે પોલીસની ટીમ માહિતી વાળી જગ્યાએ રોકડનાથ હનુમાન મંદીર પાસે રોડ ઉપર પહોંચી હતી. અને તમામ અધિકારીઓ વિસ્તારમાં છુટા છવાયા વોચ તપાસમાં ગોઢવાઈ ગયા હતા. આ દરમિયાન માહિતી મુજબના નંબર વાળી સફેદ કલરની સ્વીફ્ટ ગાડી ત્યાં આવી હતી. જેને પોલે રોકી ગાડીમાં તપાસ હાથ ધરી હતી. આ ગાડીની તપાસ કરતાં આરોપી ઈમસ અશ્વીન ઉર્ફે ગગી S/O ચંદુલાલ જનસારી ઉ.વ.43 (રહે.પાદરા-ગાયજ તા.પાદરા જિ.વડોદરા) એ સ્વીફ્ટ કારમાં રાખેલી બેગપાઈપર ગોલ્ડરીઝર્વ વિસ્કી 1 લિટર પ્લાસ્ટીકની બોટલો મળી આવી હતી. જેને બહર કાઢી પોલીસે ગણતરી કરતા એક બોટલની કિંમત રૂ.700 લેખે 21000 રૂપિયા કિંમતની 30 નંગ દારૂની બોટલો મળી આવી હતી.

આ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને પોલીસે કબજે કર્યો હતો. આ ઉપરાંત આરોપીની અંગ ઝડતીમાંથી મળી આવેલ જુદાજુદા દરની ચલણીનોટો રોકડ રૂપીયા 3000, રૂ.3 લાખ કિંમતની સ્વીફ્ટ કાર, રૂ.8500ની કિંમતના 2 નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ.3,32,500નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. અને સાથે જ આરોપીની અટકાયત કરી પ્રોહીબીશનનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ મામલામાં આરોપીના દારૂનો જથ્થો આપનાર વોન્ટેડ આરોપી મુકેશ જે રહે.યુનિટ નં 114 ગુરૂગોવિંદસિંહ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, મુંબઈની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે હાલ આ વોન્ટેડ આરોપી મુકેશના પુરાનામ સરનામાની ખબર નથી તેની તપાસ પોલીસે હાથ ધરી છે

(8:50 pm IST)