Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

નડિયાદમાં કાંસ પર પાર્ક કરેલ બે ટ્રકો સ્લેબ તૂટી જવાથી નીચે ખાબકતા અફડાતફડી મચી જવા પામી 

નડિયાદ : નડિયાદ શહેરમાં છાસવારે કાંસ બેસી જવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે નડિયાદ શેરકંડ તળાવ નજીક કાંસ ઉપર પાર્ક કરેલ બે ટ્રકો કાંસનો સ્લેબ કડડભૂસ થઈ બેસી જતા ટ્રકો કાંસમાં ઉતરી ગઈ હતી. આ બનાવના પગલે અફડા તફડી મચી જવા પામી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

નડિયાદ શહેરના મધ્યમાંથી કાંસ પસાર થાય છે. આ કાંસ પર દુકાનો બનાવવામાં આવેલી છે. જે પૈકી દસેક વર્ષ પહેલા નડિયાદ તલાટી બાગના છેડે કાંસ પરની દુકાનો વહેલી સવારે કાંસનો સ્લેબ તૂટી પડતા દુકાનો કાંસમાં બેસી ગઈ હતી. આવી જ રીતે મહિના પહેલા નડિયાદ શેર કંડ પર કાંસ ઉપર આવેલી દુકાનો કાંસનો સ્લેબ જોખમી હોવાનો રિપોર્ટ આવતા નગરપાલિકા દ્વારા શેરકંડ તળાવ ગટર પરની તમામ દુકાનો તોડી પાડી હતી. હાલ આ ખુલ્લી જગ્યામાં વાહન ચાલકો પોતાના વાહનો ઉભા રાખે છે. રવિવારે રાત્રે કાંસ ઉપર ખાતર ભરેલી બે ટ્રકો પાર્ક કરવામાં આવી હતી. રાત્રી સમયે કાંસનો જર્જરિત સ્લેબ કડડભૂસ થઈને બેસી ગયો હતો. તેની સાથે જ ખાતર ભરેલી બે ટ્રકોના પાછળના ટાયરો કાંસમાં ઉતરી પડયા હતા. સદનસીબે ટ્રકમાં ડ્રાઇવર ક્લીનર ન હોય જાનહાની સર્જાઈ ન હતી. આ બનાવની સવારે જાણ થતા લોકોના ટોળેટોળા જોવા ઉમટી પડયા હતા. ટ્રકના માલીકે હેવી ક્રેઇન મંગાવી કાંસમાં પડેલી ટ્રકોને બહાર કઢવી હતી. આ કાંસ પરની દુકાનો તોડી પાડતા ખુલ્લી થયેલ જગ્યામાં લોકો પોતાના વાહનો પાર્ક કરે છે. ત્યારે આ સ્થળે કાંસ બેસી જતાં કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં નગરપાલિકા તંત્ર દ્વારા જર્જરીત થઈ ગયેલ કાંસ પરનો સ્લેબ દૂર કરી નવેસરથી મજબૂત સિમેન્ટ કોકીટનો સ્લેબ ભરવાનું જાહેરહિતમાં જરૂરી બન્યું  છે.

(5:49 pm IST)