Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળ પરત ખેંચાઇ

CJI સાથેની મુલાકાત બાદ એસોસિએશનની બેઠકમાં લેવાયો મહત્‍વનો નિર્ણય

અમદાવાદ, તા.૨૨: સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટના જસ્‍ટિસ નિખિલ એસ.કેરિયલની પટણા હાઇકોર્ટમાં બદલી કરવા અંગેની ભલામણના વિરોધમાં હડતાળ પર ઉતરેલા ગુજરાત હાઇકોર્ટના વકીલોએ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલથી તમામ વકીલો ફરી કાર્યરત થઈ જશે. ચીફ જસ્‍ટિસ ઓફ ઈન્‍ડિયા સાથે મુલાકાત કર્યા બાદ આજે યોજાયેલી ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની બેઠકમાં હડતાળ સમેટવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

વિગતવાર વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિ નિખિલ એસ.કરિયલની પટણા હાઈકોર્ટમાં ટ્રાન્‍સફર કરવાની સુપ્રીમ કોર્ટના કોલેજીયમની ભલામણના સમાચાર મળતાં જ ગુજરાત હાઇકોર્ટના વકીલોમાં નારાજગી વ્‍યાપી હતી. ખિન્ન થયેલા ગુજરાત હાઈકોર્ટના વકીલો હડતાળ પર ઉતરી ગયા હતા. જસ્‍ટિસ નિખિલ કેરિયલની સૂચિત બદલીના વિરોધમાં હાઇકોર્ટના વકીલોએ ગત શનિવારે ગેટ નંબર-૨ પાસે શાંતિપૂર્ણ દેખાવો યોજ્‍યા હતા. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને પગલે હાઇકોર્ટની વિવિધ કોર્ટોમાં કોર્ટ કામગીરી ખોરવાઈ  હતી. હાઇકોર્ટ ખાતે વકીલોની હડતાળે એસ.જી હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો અને નાગરિકોનું પણ ધ્‍યાન ખેંચ્‍યું હતું.

આ મામલે ગુજરાત હાઈકોર્ટ વકીલ એસોસિયેશને હાઇકોર્ટના ચીફ જસ્‍ટિસ અરવિંદ કુમાર સમક્ષ રજૂઆત કરી હતી. જે બાદ એડવોકેટ એસોસિએશનનું સાત સભ્‍યોનું પ્રતિનિધિમંડળ ગુજરાત હાઈકોર્ટના જજ નિખિલ કેરિયલની બદલી અંગે ચીફ જસ્‍ટિસ ઓફ ઈન્‍ડિયાને મળ્‍યું હતું. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્‍ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડે કહ્યું હતું કે, ‘તમારી માંગ યોગ્‍ય છે પરંતુ વકીલોએ હડતાળ પર ન જવું જોઈએ.ઁ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્‍ટિસ સાથે મુલાકાત બાદ આજે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનની બેઠક યોજાઈ હતી. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની બેઠકમાં  હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. આવતીકાલથી ગુજરાત હાઇકોર્ટના વકીલો ફરી કાર્યરત થઈ જશે.

(3:12 pm IST)