Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

નર્મદા ડેમની ઉંચાઇ વધારવાની મંજુરી ૧૦ વર્ષ કેમ ન આપેલી? કોંગ્રેસીઓ જવાબ આપેઃ રૂપાલા

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં કેન્‍દ્રીય મંત્રીની પાણીદાર પ્રચાર સભાઓ : ગુજરાતમાં કોંગીના રાજમાં કાગળ પર ટેન્‍કરો મંજુર થતા પણ ભરવા કયાંથી તે સમસ્‍યા હતી

રાજકોટ, તા., ૨૨ : ભારત સરકારના ડેરી ઉદ્યોગ વિભાગના મંત્રી અને ગુજરાત વિધાનસભાની ચુંટણીના સ્‍ટાર પ્રચારક શ્રી પરસોતમ રૂપાલા ઝંઝાવાતી પ્રવાસ કરી રહયા છે. સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકોના વિસ્‍તારમાં જાહેર સભાઓમાં તળપદી  શૈલીથી ભાજપ સરકારના વિકાસકામો વર્ણવવાની સાથે કોંગ્રેસને આડે હાથ લઇ રહયા છે.

સુરતના વરાછા વિસ્‍તારમાં જંગી જાહેરસભા સંબોધતા તેમણે જણાવેલ કે મજબુત રાજકીય ઇચ્‍છાશકિતવાળા નેતા નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં આજે વિશ્વમાં ભારતનો વટ છે. રાજયની અને દેશની તસ્‍વીર બદલવાનું કામ તેઓ કરી રહયા છે. કોરોનાના કપરા કાળમાં તેમણે દેશ આખાને વિનામુલ્‍યે રસી આપવાનું કામ કર્યુ છે. કોરોના વખતે વિપક્ષવાળા આ ભાજપની રસી છે તેવુ કહી હલકા નિવેદનો કરી રહયા હતા. વિપક્ષોએ વડાપ્રધાનને તો અભિનંદન ન આપ્‍યા પરંતુ રસીની શોધ કરનાર વૈજ્ઞાનિકોને પણ અભિનંદન ન આપ્‍યા. ચાઇનામાં અમુક વિસ્‍તારમાં હજુ બે દિવસ પહેલા લોકડાઉન લગાવવુ પડયું છે. આજે હું અહીં માસ્‍ક વિના સભા સંબોધી રહયો છું અને તમે માસ્‍ક વિના સાંભળી રહયા છો તેનું કારણ રસીના ડબલ ડોઝ અને વધારામાં બુસ્‍ટર ડોઝ છે.

શ્રી રૂપાલાએ જણાવેલ કે ૧૯૯૦ના અરસામાં હું ધારાસભ્‍ય હતો તે વખતે રાજયમાં પાણીની ભયંકર સમસ્‍યા હતી. ધારાસભ્‍ય તરીકે અછતની બેઠકમાં હું હાજરી આપતો. તે વખતે બેઠકમાં જુદા-જુદા ગામો માટે ટેન્‍કરો મંજુર થતા હતા. અઠવાડીયા પછી ફરી મીટીંગ મળે ત્‍યારે વહીવટી તંત્ર તરફથી કહેવામાં આવતુ કે ટેન્‍કરોની મંજુરી પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. ટેન્‍કરો પણ તૈયાર છે પણ ટેન્‍કરોમાં પાણી કયાંથી ભરવુ તે સમસ્‍યા છે. કોંગ્રેસના રાજમાં ૫૦ વર્ષ સુધી પાણીની સમસ્‍યા હલ થયેલ નહી. તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ નર્મદાના પ્રશ્ને ઉપવાસ પર ઉતરવુ પડેલ. કેન્‍દ્રમાં કોંગ્રેસના વડપણમાં મનમોહનસિંહજીની સરકાર હતી. હું રાજય સભામાં સભ્‍ય હતો. રાજયસભામાં આ પ્રશ્ન વારંવાર ઉઠાવ્‍યો હતો. કેન્‍દ્રની તે વખતની સરકારે નર્મદા ડેમની ઉંચાઇ વધારવાની મંજુરી ૧૦ વર્ષ સુધી અટકાવી રાખી હતી. નરેન્‍દ્રભાઇ વડાપ્રધાન થયા અને ૧૭માં દિવસે મંજુરી આપી દીધેલ. જેમ ઢાળમાં પાણી આવે તેમ મંજુરી આવી ગઇ હતી. મનમોહનસિંહજીની સરકારે નર્મદા ડેમ માટેની મંજુરી સતત ૧૦ વર્ષ સુધી કેમ આપેલ નહિ? તેનો જવાબ કોંગ્રેસીઓએ પ્રજાને આપવો જોઇએ. આ જવાબ આપ્‍યા વગર મત માંગવાનો કોંગ્રેસને અધિકાર નથી.

કેન્‍દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ જણાવેલ કે ખેતીવાડી અને રહેણાંકની લાઇન જુદી કરી રાજયની ભાજપ સરકારે ગુજરાતમાં ૨૪ કલાક વિજળી પુરી પાડી છે. રાજયની યોજનાને કેન્‍દ્ર સમર્થન આપે અને કેન્‍દ્રની યોજનાને રાજય અનુસરે તેને કહેવાય ડબલ એન્‍જીન સરકાર. કોંગ્રેસના શાસનમાં લોકો પાણી, વિજળી જેવી પાયાની સુવિધા માટે ખુબ પરેશાન હતા. નરેન્‍દ્રભાઇના નેતૃત્‍વમાં રાજય અને દેશનો અવિરત વિકાસ થઇ રહયો છે.

(1:36 pm IST)