Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ચૂંટણી ટાણે આઘાતજનક ઘટના : સાણંદના ડે.કલેકટર તથા રીટર્નીંગ ઓફિસર આર.કે.પટેલનો આપઘાત : અધિકારીઓ સ્‍તબ્‍ધ

સાણંદમાં સોસાયટીમાં પાંચમા માળેથી પડતુ મુક્‍યું : ગઇરાત્રે ૨ાા વાગ્‍યા સુધી ચૂંટણીનું કામ કર્યુ હતું

રાજકોટ તા. ૨૨ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્‍યો છે. ત્‍યારે ચૂંટણી ટાણે એક આઘાતજનક સમાચાર સામે આવ્‍યા છે. સાણંદના ડેપ્‍યુટી કલેક્‍ટર અને રીટર્નિંગ ઓફિસર આર કે પટેલે આત્‍મહત્‍યા કરી લેતા રાજ્‍યભરના અધિકારીઓ સ્‍તબ્‍ધ બની ગયા છે. સાણંદમાં પ્રેરણ તીર્થ સોસાયટીમાં પાંચમાં માળેથી ઝંપલાવીને આત્‍મહત્‍યા કરી લીધાનું બહાર આવ્‍યું છે.

આર કે પટેલ મૂળ ઈડરના વતની હતા. સાણંદ પહેલા તેઓ અંબાજીના વહીવટદાર હતા. અંબાજી મંદિરના વહીવટદાર તરીકે વર્ષો સુધી ફરજ બજાવ્‍યા બાદ થોડા સમય પહેલા જ સાણંદ મૂકાયા હતા. જયાં તેઓ સખત ડિપ્રેશનમાં હતા. સવારે તેમણે સાણંદમાં ફલેટમાંથી પડતુ મૂક્‍યું હતું.

આર કે પટેલ રાત્રે અઢી વાગ્‍યા સુધી ચૂંટણીનું કામ કરી રહ્યા હતા. આખી રાત ગવર્મેન્‍ટ પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરી વહેલી સવારે ઘેર આવ્‍યા બાદ તેમણે આત્‍મહત્‍યા કરી હતી. આત્‍મહત્‍યાનું કારણ હજુ અકબંધ છે.

 

(2:52 pm IST)