Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ગુજરાતના મહાનગરોમાં ભાજપનો દબદબો રહેશે

મ્‍યુ. કોર્પો.ની છે ૪૪ બેઠકો : શહેરી મતદારોનો ભાજપ ઉપર અતૂટ વિશ્વાસ : મોદીનો જાદુ છવાયેલો છે

નવી દિલ્‍હી તા. ૨૨ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્‍યારે તમામ પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે અથાગ પ્રયત્‍ન કરી રહ્યા છે. જે અંતગર્ત પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યું છે. હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢ સહિત આઠ મ્‍યુનિસિપલ કોર્પોરેશનોની ૪૪ શહેરી બેઠકો પર રાજકીય પક્ષો નજર રાખી રહ્યા છે.

ગુજરાતના રાજકિય સમીકરણની વાત કરીએ તો શહેરમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે, શહેરના મતદારો ભાજપ પર અતૂટ વિશ્વાસ રાખી રહ્યા છે, ૨૦૧૭માં ભાજપનો સખત  વિરોધ થઇ રહ્યો હતો એવામાં પણ ભાજપને શહેરના મતદારોએ ખોબાખોબે મત આપ્‍યા હતા. બે ટર્મના પરિણામ પરથી જોઇ શકાય છે.શહેરના મતદારો ભાજપ અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી પર ખુબજ વિશ્વાસ રાખે છે. મોદીના વિકાસલક્ષી કામોને આજેપણ તે વખાણે છે,

૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં આ આઠ મુખ્‍ય શહેરી વિસ્‍તારોમાં ભાજપની પકડ ઢીલી પડી હતી અને ૪૪માંથી ૩૮ બેઠકો જીત હતી, જે ૧૯૯૫ પછી સૌથી ઓછી બેઠક હતી. અલબત્ત ભાજપે વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં રાજયની કુલ ૧૮૨ બેઠકોમાંથી ૯૯ બેઠકો પર જીતી હાંસલ કરી હતી. તે વખતની ચૂંટણી ઘણી રીતે મહત્‍વપૂર્ણ રહી હતી કારણ કે તે સમયે પાટીદાર અનામત આંદોલન અને ત્‍યારબાદ ઉભરી આવેલા ત્રણ યુવા નેતાઓ -હાર્દિક પટેલ, અલ્‍પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીના પડકારો વચ્‍ચે ચૂંટણીઓ યોજાઈ હતી. આ ત્રણેય નેતાઓના ઉદભવને કારણે ગ્રામીણ વિસ્‍તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્‍તારમાં ભાજપ પાર્ટીને નુકસાન પહોંચ્‍યું છે.

વર્ષ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજયની કુલ ૪૪ શહેરી બેઠકોમાંથી ભાજપે ૪૦ બેઠકો પર જીત હાંસલ કરી હતી. જેમાં અમદાવાદની ૧૬ બેઠકોમાંથી ભાજપે ૧૩ બેઠકો પર જીત મેળવી હતી. તો સુરતના શહેરી વિસ્‍તારોમાં તમામે તમામ ૧૨ બેઠકો અને તેવી જ રીતે વડોદરાના શહેરી વિસ્‍તારોની તમામ પાંચ બેઠકો જીતી હતી. તેવી જ રીતે ભાવનગર અને ગાંધીનગર શહેરની ૨-૨ બેઠક, એમ કુલ ચાર બેઠકો તેમજ રાજકોટના શહેરી વિસ્‍તારોમાં ભાજપે ચારમાંથી ત્રણ બેઠકો પર જીત હાંસલ કરી હતી.

વર્ષ ૨૦૧૭માં ભાજપે મુખ્‍ય આઠ શહેરો વિસ્‍તારોની ૪૪ બેઠકોમાંથી ૩૮ બેઠકો જીતી હતી. જેમાં અમદાવાદમાં ૧૨ બેઠક, સુરતમાં ૧૨ બેઠક, વડોદરામાં પાંચ બેઠક, રાજકોટમાં ચાર બેઠક, ભાવનગરમાં બે બેઠક અને જામનગરમાં શહેરી વિસ્‍તારની તમામ બંને બેઠકો પર વિજય મેળવ્‍યો હતો.

(11:00 am IST)