Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

વિધાનસભાની ચૂંટણી ટાણે અમદાવાદમાં બુટલેગરોબેફામ :પોલીસે 1300થી વધુ બોટલ દારૂ ઝડપ્યો

ક્રાઇમ બ્રાંચે ઇન્દિરા બ્રિજ સર્કલ પાસેથી દારૂની 1380 બોટલ જપ્ત કરીને બે આરોપીઓને ઝડપી લીધા

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગઇકાલે ઇન્દિરા બ્રિજ સર્કલ પાસેથી દારૂની 1380 બોટલ જપ્ત કરીને બે આરોપીઓને ઝડપી લીધા છે. ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, બે શખ્સો દારૂનો જથ્થો લઇને ગાંધીનગરથી ઇન્દિરા બ્રિજ આવી રહ્યા છે. ત્યારે બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બેરીકેડ મૂકીને દારૂ ભરેલી કારની વોચ કરી રહી હતી. આ દરમિયાનમાં એક ટાટા વિંગર કાર આવી હતી, જેને રોકીને ક્રાઇમ બ્રાંચે તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

  પોલીસે કાર ડ્રાઇવર ભાવેશ ઉર્ફે ચેતન અરવિંદભાઇ બારોટ (રહે, પ્રભુનગર સોસાયટી, અસારવા) તેમજ તેની સાથે પ્રકાશ સોમાજી પ્રજાપતિ (રહે, તેજાજી કાળુજીની ચાલી)ની ધરપકડ કરી હતી. દારુ મામલે પૂછતા બન્ને શખ્સોએ જણાવ્યુ હતુ કે, પ્રકાશ જાટ નામના રાજસ્થાનના શખસે દારૂ મોકલાવ્યો હતો અને બંટી પ્રજાપતિ (રહે, મેઘાણીનગર) અને હર્ષદ પ્રજાપતિ (રહે, ચમનપુરા) નામના બુટલેગરને આપવાનો હતો. હાલ ક્રાઇમ બ્રાંચે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

કારમાંથી ક્રાઇમ બ્રાંચને 115 પેટી દારૂની મળી આવી છે. જેની કિંમત 5.52 લાખ રૂપિયા થાય છે. કારનો જથ્થો ઇન્ટરનેશનલ સ્કૂલની વાનમાં આવી રહ્યો હતો. જેથી પોલીસે તે મામલે પણ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ કબુલાત કરી છે કે, દારૂ ભરેલી કારને અડાલજ ત્રિમંદિર પાસેથી લીધી હતી. જેને બુટલેગર સુધી પહોચાડવાની હતી.

(10:13 am IST)