Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીત પરમારનો વધુ એક વીડિયો વાયરલ: સ્થાનિકોએ માંગ્યો 35 વર્ષના કાર્યકાળનો હિસાબ

-ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન સ્થાનિકો તેમનો અને તેમના પિતાના 35 વર્ષના કાર્યકાળનો હિસાબ માગી રહ્યા છે.

અમદાવાદ :ખેડાની મહુધા વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવારના એક બાદ એક વીડિયો વાયરલ થઈ રહ્યા છે.પહેલા કોઈ ચોક્કસ સંપ્રદાય માટે હોસ્પિટલ ખસેડવાની વાત કરી હોવાનો વીડિયો વાયરલ થયો. વાયરલ વીડિયો મુદ્દે હજુ તો ઈન્દ્રજીત પરમારે ખુલાસો જ આપ્યો છે, ત્યાં તો ડોર ટુ ડોર પ્રચારમાં સ્થાનિકોના વિરોધનો બીજો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં ઇન્દ્રજીત પરમારના ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન સ્થાનિકો તેમનો અને તેમના પિતાના 35 વર્ષના કાર્યકાળનો હિસાબ માગી રહ્યા છે. સ્થાનિકોએ કામગીરીનો હિસાબ માગતા ઇન્દ્રજીત પરમાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા.

 એક વાયરલ વીડિયો મુદ્દે ઈન્દ્રજીત પરમારે સ્પષ્ટતા કરી હતી કે એ વીડિયો વર્ષ 2017નો ઠે. મેં કોઈ ચોક્કસ સંપ્રદાય માટે હોસ્પિટલ ખસેડવાની વાત કરી નથી. પરંતુ હોસ્પિટલ નજીક રહે અને બધાને લાભ મળે તેવી વાત કરી છે. પરંતુ ભાજપ દ્વારા વીડિયો વાયરલ કરી મને બદનામ કરવાની કોશિષ થઈ રહી છે. ભાજપને હારનો ડર હોવાને કારણે આવા કાવાદાવા કરી રહી છે.

કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો પણ વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ કહી રહ્યા છે કે આ દેશને કોઈ બચાવી શકે તો તે મુસ્લિમ સમાજ બચાવી શકે, આ નિવેદનને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરી નિવેદનને વખોડ્યુ હતુ અને કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરતી હોવાનો પ્રહાર કર્યો હતો.

(1:01 am IST)