Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ગુજરાત ચૂંટણીમાં ભાજપને 38 ટકાથી ઓછા મત મળશે : કોંગ્રેસને 5થી ઓછી સીટ મળશે:કેજરીવાલે લેખિત આપ્યું

આમ આદમી પાર્ટીની ગુજરાત એકાઇના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કરાયો

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે,ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે ચરણમાં થવાની છે. પહેલા ચરણમાં 89 સીટો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે, તો બીજા ચરણની 93 સીટો માટે મતદાન 6 ડિસેમ્બરના રોજ થશે અને પરિણામ 8 ડિસેમ્બરે આવશે. આ જ દિવસે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ પણ આવશે.પરંતુ હાલમાં તો તમામ પાર્ટીઓ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહી છે.

ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત ગુજરાતમાં સત્તા હાંસલ કરવાનો પ્રયત્ન કરી રહી છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તા હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, પરંતુ મોટા ભાગના ઑપિનિયન પોલ કહી રહ્યા છે કે રાજ્યમાં ફરી એક વખત ભાજપ સરકાર બનાવી શકે છે, પરંતુ તમામ પાર્ટીઓ દાવો કરી રહી છે તેઓ સરકાર બનાવશે. એ તો સ્વાભાવિક છે કે કોઇ એક પાર્ટી ચૂંટણી જીતીને સરકાર બનાવશે, પરંતુ અત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ દાવો કરી રહ્યા છે કે ગુજરાતમાં ભાજપને 38 ટકાથી ઓછા વોટ મળશે. અને આમ આદમી પાર્ટી સરકાર બનાવશે.

આમ આદમી પાર્ટીની ગુજરાત એકાઇના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે ABP અસ્મિતા પર લેવામાં આવેલા અરવિંદ કેજરીવાલના ઇન્ટરવ્યૂની 1:33 મિનિટની એક ક્લિપ છે. તેમાં એન્કર અરવિંદ કેજરીવાલને પૂછે છે કે તમે ઘણી વખત પાર્ટીઓની સીટોની પણ વાત કરો છો, તો તમારી કેટલી સીટો આવશે? શું તમે બતાવી શકો છો કે પછી લખીને આપી શકો છો? તેના પર અરવિંદ કેજરીવાલ હસે છે અને કહે છે લાવો હું આજે તમને નવું લખી આપું છું.

તેમાં તેઓ લખે છે અને પછી લખેલું વાંચતા કહે છે કે, ભાજપને 38 ટકાથી ઓછા વોટ મળશે. ગત વખત 49 ટકા વોટ મળ્યા હતા. 11 ટકા સુધી ઘટશે, 38 ટકાથી પણ આછા મળશે વોટ. પછી એન્કર પૂછે છે કે, કોંગ્રેસની કેટલી સીટો આવશે? પહેલા કેજરીવાલ કહે છે અત્યારે ધીરે-ધીરે કહીશું, પછી તેઓ કહે છે કોંગ્રેસનું તો મેં પહેલા પણ કહ્યું હતું કે 5થી ઓછી સીટો આવશે. રોનકજી આવ્યા હતા ત્યારે જ લખીને આપ્યું હતું.

પછી એન્કર પૂછે છે તમે અત્યારે સીટો નહીં બતાવી શકો? તો કેજરીવાલ કહે છે અત્યારે 2-4 દિવસ હજુ આપો. ધીરે ધીરે પિક્ચર ક્લિયર થઇ રહ્યું છે. પછી એન્કર પૂછે છે સરકાર બની રહી છે કે? તો કેજરીવાલ કહે છે સરકાર બની રહી છે. એન્કર કહે છે સીટ પણ બતાવી દો. કેજરીવાલ કહે છે 2-4 દિવસ પછી વધુ એક ઇન્ટરવ્યૂ કરજો. એન્કર કહે છે એ તો એ સ્પષ્ટ વાત છે કે 92 થી વધારે.. એટલું બોલે છે ત્યાં તો કેજરીવાલ હસતા કહે છે આવશે બિલકુલ આવશે. આમ આદમી પાર્ટી સરકાર બનાવશે.

(12:41 am IST)