Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પહેલા જ એક બેઠક ગુમાવી: દેવગઢ બારિયામાં NCPના ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચ્યું

ચૂંટણીમાં કોંગ્રેસે દેવગઢબારિયા, ઉમરેઠ અને નરોડા બેઠક પર NCP સાથે ગઠબંધન કર્યુ હતું

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસે ચૂંટણી પહેલા જ એક બેઠક ગુમાવી છે. દેવગઢબારિયામાં NCPના ઉમેદવારે ફોર્મ પાછુ ખેચી લીધુ છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCP વચ્ચે ત્રણ બેઠક પર ગઠબંધન થયુ હતુ જેને કારણે કોંગ્રેસે દેવગઢબારિયા, ઉમરેઠ અને નરોડા બેઠક પર NCP સાથે ગઠબંધન કર્યુ હતુ.

ગુજરાત કોંગ્રેસે દેવગઢબારિયા બેઠક ચૂંટણી પહેલા જ ગુમાવી દીધી છે. દેવગઢબારિયા પર NCPના ઉમેદવાર ગોપાલસિંહ પ્રતાપસિંહ લવારે ઉમેદવારી ફોર્મ પરત ખેચ્યુ છે. દેવગઢબારિયા બેઠક પર NCPના ઉમેદવારે ફોર્મ પરત ખેચતા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામશે. ભાજપે બચુ ખાબડને ટિકિટ આપી છે જ્યારે આમ આદમી પાર્ટીએ ભરત વાખલાને ઉમેદવાર બનાવ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં 1 અને 5 ડિસેમ્બરે એમ બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થશે જ્યારે 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે.

(12:16 am IST)