Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

અમદાવાદની 16 બેઠકોની મત ગણતરી એલ.ડી. એન્‍જીનિયરીૅગ કોલેજ, ગુજરાત કોલેજ અને પોલીટેકનીક કોલેજમાં થશે

5 ડિસેમ્‍બરે યોજાનાર મતદાન માટે ઇવીએમ મત ગણતરી કેન્‍દ્રો ઉપર લઇ જવાશેઃ કામગીરીનો ધમધમાટ

અમદાવાદઃ અમદાવાદની કુલ 16 બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા તમામ કામગીરી ચાલી રહી છે. મતદાન કેન્‍દ્રો તથા મત ગણતરી કેન્‍દ્રોની આસપાસ પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ ચૂંટણી અંગેની તમામ તૈયારીઓ આદરી દેવામાં આવી છે. હાલ ચૂંટણીની તૈયારીઓને એક પ્રકારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ મતગણતરી માટે તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં અત્યારથી તેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

ચૂંટણી પંચ દ્વારા મતગણતરી કેન્દ્રો પર વ્યવસ્થા ગીઠવાવની શરૂઆત કરી દેવાઈ છે. 8 ડિસેમ્બરે રાજ્યભરમાં મતગણતરી હાથ ધરાશે. જેને પગલે અમદાવાદનાં એલ.ડી. એન્જીનીયરીંગ ખાતે સ્ટ્રોંગરૂમ અને કાઉન્ટીંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. અમદાવાદમાં ત્રણ સ્થળોએ મતગણતરી હાથ ધરાશે. એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજ, ગુજરાત કોલેજ અને પોલીટેકનિક કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે.

અમદાવાદની 16 વિધાનસભા બેઠકો પર 5 ડિસેમ્બરે થનાર મતદાન બાદ EVM મશીન મતગણતરી કેન્દ્રો પર લાવવામાં આવશે. 5 ડિસેમ્બરે મતદાન બાદ સિલ કરાયેલા EVM જુદા જુદા મતગણતરી કેન્દ્રો પર લઈ જવાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં 8 ડિસેમ્બર સુધી EVM મશીન CCTV ની દેખરેખમાં મૂકાશે. 8 ડિસેમ્બરે ઉમેદવાર અને તેમના ટેકેદારો સહિત અધિકારીઓ મતગણતરી કેન્દ્રમાં બેસીને મતગણતરી કરી શકે તેવી વ્યવસ્થાને આખરી ઓપ આપવાની શરૂઆત કરાઈ.ચૂંટણી પંચ દ્વારા કરાઈ રહેલી તૈયારીને પરિણામે મતગણતરી બાદ બપોરે 12 વાગ્યા સુધીમાં પરિણામનું ચિત્ર સ્પષ્ટ થતું હોય છે.

 ઉલ્લેખનીય છેકે, ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે.

(5:56 pm IST)