Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ટીમ ઇન્ડિયામાં અક્ષર અને હર્ષલ પટેલનો પાટીદાર પાવર : કહ્યું હવે મેન ઓફ ધ મેચ પટેલ વચ્ચે જ હશે

અક્ષરે હર્ષલ સાથે મજાકમાં કહ્યું-પટેલો બધુ જીતી રહ્યા છે. હજું અમે કંઇ નક્કી કર્યું નથી,પણ એવું લાગે છે કે મેન ઓફ ધ મેચ હવે પટેલોની વચ્ચે જ રહેશે

અમદાવાદ : હર્ષલ પટેલ અને અક્ષર પટેલે ભારતની ન્યૂઝીલેન્ડ સામેની જીતને સેલિબ્રેટ કરી હતી. ભારતે ત્રણ મેચની સીરીઝને 3-0થી પોતાના નામે કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે તેની રેકોર્ડ-બ્રેકિંગ સિઝનમાં પર્પલ કેપ મેળવ્યા પછી હર્ષલે બ્લેક કેપ્સ સામે 2જી T20I માં ટીમ ઈન્ડિયા માટે દમદાર મેચ રમીને ફેન્સના દિલ જીતી લીધા હતા. કેપ્ટન રોહિત અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ તેમની પ્રથમ સીરીઝ જીત્યા બાદ ભારતીય બોલર્સ અને બેટ્સમેન મસ્તીના મૂડમાં દેખાયા હતા.

સોમવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા શેર કરવામાં આવેલ એક વિડીયોમાં અક્ષર અને હર્ષલ ન્યુઝીલેન્ડની વ્હાઇટ-બોલ સિરીઝના અંત પછી મશ્કરી કરતા જોવા મળ્યા હતા. જેમાં મેન ઓફ ધ મેચ  રહેલા અક્ષર પટેલે જણાવ્યું કે, તમે જ્યારે ઓવરની શરૂઆત વિકેટથી કરો છો તો ખૂબ સારું લાગે છે. તેનાથી તમને એક અલગ જ આત્મવિશ્વાસ મળે છે. બોલ અટકી રહ્યો હતો (પીચની બહાર) અને મને ખૂબ મજા પણ આવી રહી હતી. મને લાગે છે તેથી જ હું પાવરપ્લેમાં 3 વિકેટ લેવામાં સફળ રહ્યો.

ભારતની જીતમાં નિર્ણાયક ભૂમિકા નિભાવનાર હર્ષલ અને અક્ષર બંને મસ્તી કરતા જોવા મળ્યા હતા. અક્ષરે હર્ષલ સાથે મજાકમાં જણાવ્યું કે, “પટેલો બધુ જીતી રહ્યા છે. હજું અમે કંઇ નક્કી કર્યું નથી, પણે એવું લાગે છે કે મેન ઓફ ધ મેચ હવે પટેલોની વચ્ચે જ રહેશે.

જ્યારે T20I સીરીઝમાં ટીમ ઈન્ડિયા માટે તેની ડેબ્યૂ રમત વિશે પૂછવામાં આવ્યું, ત્યારે હર્ષલે કહ્યું કે કેવી રીતે માનસિકતામાં ફેરફારથી RCB ફાસ્ટ બોલરને તેનું ધાર્યું પરિણામ મેળવવામાં મદદ મળે છે.

હર્ષલે જણાવ્યું કે, મારા માટે પરિવર્તન મુખ્યત્વે માનસિકતામાં આવ્યું છે. મારી પાસે આ બધી કુશળતા પહેલા પણ હતી. છેલ્લા બે વર્ષમાં માનસિકતામાં જે બદલાવ આવ્યો છે, તેના સારા પરિણામો મને મળ્યા છે અને મેં જે પણ આઈપીએલમાં કર્યું હતું, મેં આ સિરીઝમાં પણ એ જ માનસિકતા રાખવાનું નક્કી કર્યું હતું. તે વસ્તુઓ મારા માટે કામ કરી રહી છે અને હું તેના માટે ખૂબ જ ખુશ છું.

(10:54 pm IST)