Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

શાળા શરૂ થયાના પહેલા જ દિવસે વિદ્યાર્થીનો આપઘાત

પહેલા જ દિવસે ધો.૧૧ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત : સાપુતારા પોલીસ દ્વારા સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના સંચાલકોના નિવેદન લઇને તપાસ કરવામાં આવી રહી છે

આજથી રાજ્યમાં દિવાળી બાદ શાળાઓ શરૂ થઇ છે. તો પહેલા જ દિવસે ડાંગના આહવા તાલુકાના સાપુતારા તળેટી વિસ્તારમાં આવેલા સંતોકબા ધોળકિયા વિધામંદિરમાં ૧૬ વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.

સંતોકબા ધોળકિયા વિધામંદિરમાં ધો ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતા આશાસ્પદ આદિવાસી વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આની જાણ થતા સાપુતારા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વઘુ તપાસ હાથ ધરી છે.

વિદ્યાર્થીએ કયા કારણોને લીધે આ અંતિમ પગલુ ભર્યુ છે તે હજી સામે આવ્યુ નથી.

સાપુતારા પોલીસ દ્વારા સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના સંચાલકોના નિવેદન લઇને વધુ તપાસ કરવામાં આવી રહી છે. શાળાના જણાવ્યા પ્રમાણે, આપઘાતની ઘટના સવારે આઠ વાગ્યે બની હતી. આ મૃતક વિદ્યાર્થી ગુંદવહળ ગામનો રહેવાસી છે. તે સવારે પોતાના ઘરેથી શાળામાં આવ્યો હતો. તો કયા કારણોસર શાળામાં જ આપઘાત કરી લીધો, તે હાલ પોલીસ શોધી રહી છે. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

થોડા સમય પહેલા તાપીમાં પણ આવો કિસ્સો બન્યો હતો. ડોલવણના ચુનાવાડી ગામમાં વનરાજ આશ્રમમાં અભ્યાસ કરતા ૧૧ વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી.

હોસ્ટેલના મકાનમાં માસૂમ વિદ્યાર્થીની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આત્મહત્યા કરનાર વિદ્યાર્થી વલસાડ જિલ્લાના કરરાડાના પીપરડી ગામનો રહેવાસી હતો.

(9:06 pm IST)