Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કેમિકલ બનાવતી અને રિયલ એસ્‍ટેટનું કામ કરતી કંપનીઓમાં વાપી વાપી, સરીગામ, સિલવાસા, મુંબઇમાં આવકવેરા દ્વારા સર્ચ ઓપરેશનઃ 100 કરોડનું કાળુ નાણુ જપ્‍ત

બેહિસાબી આવક, દસ્‍તાવેજ, ડિઝીટલ આંકડા સ્‍વરૂપ વાંધાજનક પુરાવાઓ જપ્‍ત કરીને તપાસ

વલસાડ: આવક વિભાગે કેમિકલ બનાવતી અને રિયલ એસ્ટેટનું કામ કરતી ગુજરાતની એક કંપની પર છાપો મારીને 100 કરોડનું કાળુ નાણુ પકડી પાડ્યું છે. સીબીડીટીએ રવિવારે માહિતી આપી હતી. આ છાપામારીમાં વાપી, સરીગામ (વલસાડ જિલ્લો), સિલવાસા અને મુંબઈમાં સ્થિત 20 થી વધુ કેમ્પસમાં 18 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી.

સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ગ્રૂપ દ્વારા મોટા પ્રમાણમાં બેહિસાબી આવક અને સંપત્તિમાં તેમના ઈન્વેસ્ટમેન્ટને દર્શાવતા દસ્તાવેજ, ડાયરીમાં લખવામાં આવેલ હિસાબો, ડિજીટલ આંકડા સ્વરૂપમાં વાંધાજનક પુરાવા મળી આવ્યા હતા. જેને જપ્ત કરી લેવામાં આવ્યા છે.

સાથે જ સીબીડીટીએ જણાવ્યુ કે, પુરાવા પરથી જાણવા મળ્યું કે, કંપની દ્વારા વિવિધ રીતથી ઓછી આવક બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કંપની દ્વારા વિવિધ પ્રકારે ચોરી કરવામાં આવી હતી. જેમાં ઉત્પાદન ઓછું બતાવવું, ખરીદી વધારે બતાવવા માટે માલની વાસ્તવિક ડીલીવરી વગર નકલી બિલો રજૂ કરવા, નકલી જીએસટી ક્રેડિટનો લાભ વગેરે મામલામાં કંપનીની સંડોવણી સામે આવી છે.

સીબીડીટીએ જરૂરી તમામ દસ્તાવેજો જપ્ત કર્યાં છે. દરોડામાં 16 બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે. તેમજ 2.5 કરોડની રોકડ અને એક કરોડની જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થિર મિલકતોના ટ્રાન્ઝેકશનના ભાગ રૃપે કંપનીએ બિનહિસાબી નાણા મેળવ્યા હતાં.

(5:20 pm IST)