Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

વડોદરામાં યુવતિનું દુષ્‍કર્મ-આપઘાત પ્રકરણમાં ‘તું અહીંયા શું કરે છે ?' તેમ યુવતિને પુછનાર વોચમેન ગાયબ થઇ જતા ભારે ચર્ચાઃ 19 સોસાયટીઓમાં તપાસ કરાઇ

પોલીસની 25 ટીમો 20 દિવસથી દોડધામ કરે છે છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર

વડોદરા: 20 દિવસથી વધુ વિત્યા છતા વડોદરા દુષ્કર્મ અને આપઘાતનો કેસ હજી વણઉકેલ્યો છે. પોલીસ હજી સુધી આરોપી સુધી પહોંચી શકી નથી. આ કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે દુષ્કર્મના ઘટના સ્થળ પાસેથી એક વોચમેન ગાયબ થયો છે.

વડોદરામાં વેક્સીન ગ્રાઉન્ડ પર યુવતી પર ગેંગરેપ થયો હતો. જેના બાદ તેણે આપઘાત કર્યો હતો. પરંતુ ગેંગરેપની ઘટના વખતે વેક્સિન કેમ્પસમાં આવેલો વોચમેન અચાનક ગાયબ થયો છે. પોલીસે 19 સોસાયટીઓમાં તપાસ કરી, પણ વોચમેનની માહિતી ન મળી. વોચમેને યુવતીને જોઈ તેને ઓળખતો હોય તેમ સવાલ કર્યા હતા. તેણે યુવતીને પૂછ્યુ હતં કે, ‘તે અહીંયા શું કરે છે?’

આ ઉપરાંત યુવતીએ સુરત રેલવે સ્ટેશન પરથી ઈમરાન નામના યુવકને ફોન કર્યો હોવાનુ પણ તપાસમાં ખૂલ્યુ છે. યુવતીએ ઈમરાન સાથે નોકરી બાબતે વાતચીત કરી હતી. યુવતીએ સુરત ડોમીનોઝ પીઝામાં પણ કોલ કરી નોકરી મેળવવા શું કરી શકાય તે વિશે પણ પૂછપરછ કરી હતી.

આમ, રેલવે પોલીસ અને વડોદરા પોલીસ હાલ યુવતી સાથે જોડાયેલા દરેક લોકો અને દરેક એન્ગલથી તપાસ કરી રહી છે. પીડિતાની ડાયરીમા થયેલી નોંધથી પોલીસ એક પછી એક પુરાવા સુધી પહોંચી રહી છે. જોકે, પોલીસને આ કેસમા યુવતીના મર્ડરની શક્યતા પણ સેવાઈ રહી છે. દિવાળીના દિવસે યુવતીનુ અપહરણ કરવાનો પ્રયાસ કરાયો હતો અને તેથી તેણે આત્મહત્યા કરી હોઈ શકે તેવી પણ શક્યતા છે. પરંતુ પોલીસની 25 ટીમ 20 દિવસ થયા છતાં આરોપીને પકડી શકી નથી. સંસ્થા સાથે જોડાયેલા લોકો શંકાના દાયરામાં છે.

(5:18 pm IST)