Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ગુજરાતમાં વહેલી ચૂંટણીની વાત પૂરીઃ રાજ્યના ભાજપના કાર્યકરો ઉત્તરપ્રદેશમાં પ્રચારમાં જશે

ગુજરાતની ચૂંટણી એક દિવસ પણ વહેલી નહિ આવેઃ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા

રાજકોટ, તા. ૨૨ :. ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની માર્ચમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી જવાની વાતને ભાજપના સત્તાવાર વર્તુળો સમર્થન આપતા નથી. ગુજરાતમાં નવેમ્બર ૨૦૨૨માં ચૂંટણી આવવા પાત્ર છે. રાજ્યના કાર્યકરોને લાંબા સમય માટે યુપીમાં ચૂંટણી પ્રચારમાં મોકલવા યાદી તૈયાર થવા લાગી છે. તેના પરથી દેખાય છે કે રાજ્યમાં સંભવિત વહેલી ચૂંટણીની વાત પુરી થઈ ગઈ છે. ભાજપના પ્રદેશ પ્રમુખે પણ ચૂંટણીને હજુ ૧૨ - ૧૩ મહિનાની વાર હોવાનું રાજકોટની મુલાકાત વખતે પત્રકારોને જણાવ્યુ હતું. ભાજપ માટે ગુજરાત અને યુપી બન્ને મહત્વના હોવાથી બન્ને જગ્યાએ પુરતી તાકાત કામે લગાડી શકાય તે માટે ચૂંટણી અલગ અલગ જ આવે તેવુ રાજકીય સમીક્ષકોનું માનવુ છે. જો કે રાજકારણમાં કોઈ દાવો કે પરિસ્થિતિ આખરી હોતી નથી.

દરમિયાન આજે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી એક પણ દિવસ વહેલી આવે તેવી શકયતા નથી. ચૂંટણી સમયસર જ યોજાશે. ગુજરાતના ૧૦૦થી વધુ કાર્યકરો જાન્યુઆરી ૨૦૨૨ આસપાસથી મતદાનના સમય સુધી યુપીમાં પ્રચારમાં જશે. પ્રચારનો સમયગાળો, સ્વરૂપ, યુપીનો વિસ્તાર વગેરે કેન્દ્રની સૂચના મુજબ આગામી દિવસોમાં નક્કી થશે.

(4:46 pm IST)