Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સુરતના પલસાણા પંથકમાં યુવકને બે મિત્રો લઇ ગયા બાદ ઘાયલ કરી ફરાર : પત્ની સાથે પ્રેમસંબંધમાં હત્યાનો ખુલાસો

મૃતક શિલેશને યોહનની પત્ની સંગિતા સાથે પ્રેમસંબંધ હોય બંને મિત્રો શિલેશને સમજાવવા માટે બાઇક પર બેસાડી ખેતરમાં લઈ ગયા હતા.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામે શેરડીના પડાવમાં રહેતા યુવકને તેના બે મિત્રો મોટરસાયકલ પર લઈ ગયા બાદ સાંજે તેને ઇજાગ્રસ્ત હાલતમાં પડાવ પર છોડી નાસી છૂટ્યા હતા. જો કે પરિવારજનો યુવકને દવાખાને લઈ જતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના નવાપુરના વતની  અશોક બારકિયા માવચી તેના પરિવારજનો સાથે ચલથાણ સુગર ફેકટરીમાં શેરડી કાપણીની મજૂરી કામ માટે આવ્યા છે અને હાલ બગુમરા ગામે શેરડી કાપવા આવેલા મજૂરોના પડાવમાં પરિવાર સાથે રહે છે. શનિવારે સાંજે પાંચ વાગ્યે અશોકનો પુત્ર શિલેશ (ઉ.વર્ષ 29) પડાવમાં જ રહેતા તેના મિત્રો સોનુ પુનિયા ગામીત અને યોહાન નાકિયા ઉર્ફે નકુ મૂળજી માવચી સાથે મોટર સાયકલ પર ક્યાંય જવા માટે નીકળ્યો હતો. દરમ્યાન સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ સોનુ પુનિયા ગામીત અને યોહન માવચી શિલેશને મોટરસાયકલ પર વચ્ચે બેસાડીને લાવ્યા હતા. શિલેશ ઈજાગ્રસ્ત અને બેભાન હાલતમાં હોય તેના પરિવારજનો અને પડાવના અન્ય મજૂરો ભેગા થઈ ગયા હતા. શિલેશને તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચી હોય નજીકના દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. શિલેશને છોડીને બંને મિત્રો નાસી છૂટતા મૃતકના પિતા અશોકે પલસાણા પોલીસ મથકમાં સોનુ પુનિયા ગામીત અને યોહન નાકિયા ઉર્ફ નકુ મૂળજી માવચી વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પલસાણા પોલીસે હત્યા કર્યા બાદ યુવકને પડાવ પર છોડી જનાર બંને યુવકો સોનુ પુનિયા ગામીત અને યોહન નાકિયા ઉર્ફ નકુ મૂળજી મવાચીની અટક કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, મૃતક શિલેશને યોહનની પત્ની સંગિતા સાથે પ્રેમસંબંધ હોય બંને મિત્રો શિલેશને સમજાવવા માટે બાઇક પર બેસાડી ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં શિલેશને સમજાવતી વખતે યોહન અચાનક ઉશ્કેરાય ગયો હતો અને શિલેશના માથામાં કોયતાનો ઘા કરી દેતાં તેનું મોત નીપજ્યું હતું.

(10:20 pm IST)