Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

વાહનોની ચોરી કરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

પોલીસ અને સુરતીઓની ઉંઘ હરામ કરી હતી : એકટીવા તેમજ સીબીઝેડ એક્સ્ટ્રીમ અને બાઈક મળી આવ્યા

અમદાવાદ, તા.૨૧ : સુરત : શહેરમાં સતત વધી રહેલી વાહન ચોરીને ડામવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા વાહનચોર જીશાન ઉર્ફે રીક્કી શેખ અને તેના સાગરીતને ઝડપી પાડ્યો હતો. શહેર વિસ્તારમાં બનેલા વાહન ચોરીના પાંચ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. સુરત શહેર હદ વિસ્તારમાં વધી રહેલા વાહન ચોરીના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે ડી.સી.બી. પોલીસની વિવિધ ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી જીશાન ઉર્ફે રીક્કી મઝહર શેખ, સૈયદ એઝાજ સૈયદ નુરમહોમદ જાતે સૈયદની ઉન પાટિયા ખાતે આવી રહ્યા છે.  જેને આધારે પોલીસે એકટીવા તેમજ સીબીઝેડ એક્સ્ટ્રીમ અને મોટર સાઈકલ મળી આવ્યા છે.

                આરોપીઓ પૈકી આરોપી જીશાન ઉર્ફે રીક્કી મઝહર શેખનો પુર્વ ઇતિહાસ છે. બંન્ને આરોપીઓની ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા કુનેહ પુર્વક અને આગવી ઢબે કરેલ પુછપરછ દરમ્યાન આરોપીઓએ બીજા ત્રણ વાહનો ચોરી કરી પાંડેસરા, સિધ્ધાર્થ નગર નહેર પાસે બિનવારસી મુકી દિધેલાની કરેલ કબુલાત આધારે ક્રાઇમબ્રાંચની ટીમે બીજા ત્રણ વાહનો પણ જપ્ત કર્યા હતાં. આરોપીઓની પુછપરછમાં હકીકત એવી રીતેની જાહેર થયેલ છે કે, મજકુર આરોપીઓ એમડીનો નશો કરી શહેર વિસ્તારમાં રખડવાની ટેવ ધરાવતો હતો. જેથી એમડીનો નશો કર્યા બાદ ફરવા માટે કોઇ પણ જગ્યાએથી વાહનોની ચોરી કરી ચોરીના વાહનો ઉપર રખડ્યા બાદ પેટ્રોલ પુરૂ થતા જ ગમે ત્યાં છોડીને ફરાર થઇ જતો હતો. ક્રાઇમબ્રાંચની ટીમે આરોપીઓ પાસેથી કુલ પાંચ વાહનો રીકવર કરી પોકેટકોપ એપ્લિકેશનની તથા ટેકનીકલ સેલની મદદથી સર્ચ કરતાં શહેર વિસ્તારમાં બનેલ વાહન ચોરીના નીચે મુજબના કુલ પાંચ વાહન ચોરીના વણશોધાયેલ ગુના શોધી કાઢવામાં સફળતા મળેલી છે.

(8:56 pm IST)