Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

એક કિલો ટામેટાંનો ભાવ ૧૦૦ રૂપિયે પહોંચી ગયો

માવઠાના લીધે ઊભા પાકને નુકસાન : બેંગાલુરુ અને સંગમનેરથી આવતાં ટામેટાંની આવક ઘટી નવેમ્બરમાં ટામેટાંનો નવો પાક આવતાં ભાવ ઘટે છે

અમદાવાદ, તા.૨૧ : સમગ્ર દેશની જેમ અમદાવાદમાં પણ ટામેટાંના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. એક કિલો ટામેટાંનો ભાવ ૧૦૦ રૂપિયા થઈ ગયો છે! છેલ્લા કેટલાક સમયથી હવામાનમાં આવેલા પલટા અને વરસાદી માહોલના કારણે ટામેટાંના ઊભા પાકને મોટાપાયે નુકસાન થયું હોવાના અહેવાલ છે. જેના પગલે બેંગાલુરુ અને સંગમનેરથી આવતાં ટામેટાંની આવક ઘટી ગઈ છે. જેથી અન્ય રાજ્યોની જેમ અમદાવાદમાં પણ ટામેટાંના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના કારણે ગૃહિણીઓ જરૂર કરતાં ઓછાં ટામેટાં ખરીદીને ચલાવી રહી છે. દિવાળીના એક મહિના પહેલાથી જ ટામેટાંના ભાવમાં ભડકો થયો હતો. જે દર વર્ષે થતો હોય છે અને પછી નવેમ્બરમાં નવો પાક આવતાં ધીમે-ધીમે ટામેટાંના ભાવ અંકુશમાં આવી જાય છે. પરંતુ આ વર્ષે ટામેટાંનો નવો પાક ખેતરમાં હતો એ દરમિયાન જ કમોસમી વરસાદ પડતાં ભારે નુકસાન થયું છે. જેના કારણે માગની સામે પુરવઠો ઓછો છે.

         પરિણામે અમદાવાદ શહેરમાં ટામેટાંનો પ્રતિ કિલો ભાવ ૧૦૦ રૂપિયાને આંબી ગયો છે. મોંઘવારીએ માજા મૂકી છે અને જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ જતાં લોકો ત્રસ્ત છે. ટામેટાંની જેમ બટાકાની કિંમતમાં પણ ૨૦થી૨૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. અત્યારે બજારોમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખેલો માલ ઠલવાઈ રહ્યો છે. અગાઉ ૨૦ રૂપિયાના સવા કિલો બટાકા વેચાતા હતા જેની કિંમત અત્યારે વધીને ૨૫ રૂપિયે કિલો થઈ છે. સ્થાનિક અખબાર નવગુજરાત સમયના અહેવાલ મુજબ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, ટામેટાંનો નવો પાક આવે તે પહેલાં વરસાદે પાક બગાડી નાખ્યો છે. ખાસ કરીને બેંગાલુરુથી આવતાં ટામેટા અટવાઈ ગયા છે અને તેના લીધે ભાવ આસમાને પહોંચ્યો છે. સારી ક્વોલિટીના ટામેટાં ૧૦૦ રૂપિયે વેચાઈ રહ્યા છે જ્યારે થોડી ઊતરતી કક્ષાના ટામેટાં ૮૦ રૂપિયે વેચાય છે. વેપારીઓનું કહેવું છે કે, અત્યારે ટામેટાંની આવક હોલસેલ માર્કેટમાં અગાઉ કરતાં અડધી થઈ છે. આ શોર્ટેજની સીધી અસર ભાવ પર જોવા મળી રહી છે. હોલસેલ બજારમાં દિવાળી પહેલા ૪૫૦૦ રૂપિયા ક્વિન્ટલના ટામેટા હતા, જે અત્યારે વધીને ૬,૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયા છે. રિટેલ માર્કેટમાં પહોંચતા-પહોંચતા તેની પ્રતિ કિલો કિંમત ૬૦-૮૦ રૂપિયા થઈ જાય છે.

(8:59 pm IST)