Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

ધનસુરાના ખડોલના સરપંચ કોરોના સામે જંગ હાર્યા ગાંધીનગરમાં સારવાર દરમિયાન નિધન

ગામના સરપંચ અને ભરવાડ સમાજના અગ્રણી ભલાભાઈ કોરોના સંક્રમિત થતા ગાંધીનગર હોસ્પિટલે ખસેડાયા હતા : જીલ્લામાં એક જ દિવસમાં બે લોક નેતાને કોરોના કાળનો ભોગ બનતાપંથકમાં શોકની લાગણી

ધનસુરા તાલુકાના ખડોલ ગામના સરપંચનું પણ ગાંધીનગર સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. બાયડ તાલુકાના ગાબટ ગામના અને જીલ્લા ભાજપ મહામંત્રી ધીમંત પટેલ કોરોનાગ્રસ્ત થતા અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા હતા. દોઢ મહિના સુધી કોરોના સામે ઝઝૂમ્યા બાદ આખરે કોરોના સામે જંગ હારી જતા મોતને ભેટ્યા હતા. થોડા દિવસ અગાઉ ભાજપના જીલ્લા મંત્રી ગજાનંદ પ્રજાપતી બાદ મહામંત્રી ધીમંત પટેલને કોરોના ભરખી જતા ટૂંક સમયમાં ભાજપ સંગઠને વધુ એક નેતા ગુમાવી ચૂક્યું છે. ધીમંત પટેલ સેવાકીય કાર્યોમાં પણ અગ્રેસર રહેતા બાયડ પંથકના લોકોએ એક ઉમદા નેતા ગુમાવ્યા હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે.

ધનસુરા તાલુકાના ખડોલ ગામના સરપંચ અને ભરવાડ સમાજના અગ્રણી ભલાભાઈ એક સપ્તાહ અગાઉ કોરોનામાં સપડાતા પરિવારજનોએ સારવાર અર્થે ગાંધીનગર દવાખાને ખસેડ્યા હતા. એક સપ્તાહની સઘન સારવાર કારગત ન નીવડતા રવિવારે ભલાભાઈ ભરવાડનું કોરોનાથી નિધન થતા ખડોલ ગામ સહીત ધનસુરા પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી. જીલ્લામાં એક જ દિવસમાં બે લોક નેતાને કોરોના કાળનો ભોગ બનતા લોકો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે.

(6:46 pm IST)