Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

મહાનગરોમાં કરફ્યુનો સમયગાળો વધારવો કે મુક્તિ આપવી? સાંજે કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણંય

શહેરોમાં દિવસે પણ કરફ્યુ લદાય તેવા એંધાણ : કેટલીક છૂટછાટ અપાઈ શકયતા

અમદાવાદ : આવતી કાલે સવારે 6 વાગે અમદાવાદ શહેરમાં 57 કલાકના કરફ્યુ અવધી પુર્ણ થઈ રહી છે ત્યારે કરફ્યુ વધારવો કે મુક્તિ આપવી તે અંગેનો નિર્ણય સાંજે 6 વાગે મળનારી રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં લેવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય 3 શહેરોમાં પણ રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. બીજીતરફ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તે સંજોગોમાં કરફ્યુ અંગેનો આખરી નિર્ણય આજે સાંજે લેવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા અમદવાદમાં સતત કરફ્યુ સાથે અન્ય ત્રણ શહેરોમાં પણ રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને તે માટે થઈને સાવચેતીના પગલા રૂપે સતત 57 કલાકનો કરફ્યુ મુકવામાં આવ્યો છે. અમદાવાદમાં કરફ્યુ લંબાવવા અંગે સરકાર પણ અસમંજસની સ્થિતિમાં છે કેમ કે ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા છે, ત્યારે ફરીથી કરફ્યુ કે લોકડાઉનના કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે

દિવસે સવારે 6 થી 10 અને સાંજે 4 થી 8 વાગ્યા સુધી છૂટછાટ મળી શકે છે. મહિલાઓને સવારના અમુક કલાકો માટે કરફ્યુ મુક્તિ મળી શકે છે. દિવસે જરૂરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, કરિયાણું, દવાઓ અને શાકભાજી સિવાયના તમામ ધંધા-વ્યાપાર બંધ રહી શકે ઔદ્યોગિક એકમોને ગાઇડલાઇનના પાલન સાથે છૂટછાટ મળી શકે છે. જરૂરિયાતની વસ્તુ સિવાયના તમામ વેપારી એકમો અને દુકાનોને બંધ રાખવા ફરજ પડાઇ શકે છે.

કેન્દ્ર સાથે મસલત બાદ અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારે અનલોક માટે બહાર પાડેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવાયું છે કે કોઇપણ રાજ્ય પોતાની રીતે લોકડાઉન લાગુ કરી શકે નહીં. આથી આ પ્રકારના કરફ્યુ નામે લાગુ થઇ શકે તેવાં લોકડાઉન માટે ગુજરાત સરકાર કેન્દ્ર સાથે ચર્ચા કરી શકે છે.

(12:39 pm IST)