Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મનરેગા હેઠળ ઉચાપત કેસમાં ત્રણને આગોતરા જામીન મળ્યા

તપાસ રિપોર્ટને જોયા બાદ હાઇકોર્ટનો હુકમ :નિઝર તાલુકાના સદ્ગવાણ ગ્રામ પંચાયતમાં ૨૦૦ કેટલ શેડ બાંધ્યા વિના લાખો રૂપિયાની ઉચાતપ માટેનો મામલો

અમદાવાદ, તા. ૨૨ : સુરતના તાપી જિલ્લામાં નિઝર તાલુકામાં કુકરમુંડા ખાતે મનરેગા યોજના હેઠળ સદ્ગવાણ ગ્રામ પંચાયત ખાતે ૨૦૦ કેટલ શેડ બાંધવાના હતા પરંતુ અમુક જ શેડ બનાવી મોટાભાગના કેટલ શેડ બાંધ્યા વિના જ લાખો રૂપિયાની નાણાંકીય ઉચાપત કરવાના ચકચારભર્યા કૌભાંડમાં ગુજરાત હાઇકોર્ટે આખરે નિઝરના ટીડીઓ પિયુષ પાયઘોડે, સરપંચ લતાબહેન કુંવર અને તલાટી કમ મંત્રી ગુમાનભાઇ ચૌધરીને આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. જો કે, હાઇકોર્ટે આ સમગ્ર ચકચારી કેસમાં સ્થાનિક ટીડીઓના સ્થળ તપાસ રિપોર્ટ જોયા બાદ ઉપરોકત ત્રણેય આરોપીઓના શરતી આગોતરા જામીન મંજૂર રાખ્યા હતા. સ્થાનિક ટીડીઓના સ્થળ રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ થઇ હતી કે, જે ૨૦૦ કેટલ શેડ બનાવવાના હતા, તેમાંથી ૧૯૮ કેટલ શેડ બની ગયા છે અને અન્ય બે શેડના મટીરીયલ્સ સ્થળ પર પડેલા છે, જેથી આ હકીકત ધ્યાનમાં લીધા બાદ હાઇકોર્ટે ઉપરોકત હુકમ કર્યો હતો.

                 મનરેગા હેઠળ કેટલ શેડના બહાને રૂ.૮૭ લાખથી ઉચાપતના ચકચારભર્યા કેસમાં ટીડીઓ પિયુષ પાયઘોડે તથા અન્ય આરોપીઓ તરફથી સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી અને એડવોકેટ સિધ્ધાર્થ ખેસકાનીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ફરિયાદપક્ષના આરોપ મુજબ, મનરેગા હેઠળ સદ્ગવાણ ગ્રામ પંચાયત ખાતે ૨૦૦ કેટલ શેડ બાંધવાના હતા પરંતુ ૧૧૧ કેટલ શેડ બનાવાયા જ ન હતા તેમછતાં ટીડીઓ પાયઘોડે દ્વારા ધી નિઝર તાલુકા યુવા ઉત્કર્ષ મજૂર અને કામદાર સહકારી મંડળીને લાખો રૂપિયાના બીલો મંજૂર કરી ચૂકવી દેવાયા હતા. આ મામલે નિઝર પોલીસ મથકમાં તા.૭-૭-૧૯ના રોજ ફરિયાદ થઇ હતી પરંતુ આ કેસમાં નોંધનીય વાત એ છે કે, ફરિયાદ દસ મહિના બાદ એટલે કે, વિલંબિત સમય પછી થયેલી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, અરજદારે કોઇ નાણાંકીય ઉચાપત કરી નથી કે, અંગત સ્વાર્થ માટે આર્થિક લાભ મેળવ્યો નથી. તમામ પૈસા ચેકથી ઉપરોકત કોન્ટ્રાકટર એજન્સીને અપાયા છે. વળી, કામ પૂરુ થાય એ જોવાની જવાબદારી સરપંચ અને ગ્રામ પંચાયતની હોય છે.

અરજદાર વિરૂધ્ધ અગાઉ કયારેય કોઇ ગંભીર ફરિયાદ કે ગુના નોંધાયેલ નથી. સમગ્ર ફરિયાદમાં માત્ર નાણાંકીય અનિયમિતતા આચરાયાનો આક્ષેપ છે પરંતુ અરજદાર વિરૂધ્ધ કોઇ નક્કર પુરાવા કે સમર્થન સામે આવ્યા નથી ત્યારે હાઇકોર્ટે અરજદારના આગોતરા જામીન મંજૂર કરવા જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે અરજદારોના આગોતરા જામીન મંજૂર કર્યા હતા.

(9:54 pm IST)