Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

પિતાની બિમારી વેળાથી પરિવાર સ્વામીના સંપર્કમાં હોવાનો ધડાકો

સોશિયલ મિડિયા પર વિડિયો વાયરલ કરી બંને બહેનોનો ખુલાસો બંને બહેનોએ પ્રથમ વખત પોતે પોતાની ચેનલ ઉપર એક સાથે આવી વિડિયો રજૂ કરતા તર્કવિતર્કનો દોર : સ્વામીએ પિતાને નવજીવન આપ્યું : બંને બહેન

અમદાવાદ, તા.૨૨ : નિત્યાનંદ આશ્રમ મામલામાં એક પછી એક નવી વિગતો ખુલી રહી છે. આ મામલામાં હવે સોશિયલ મિડિયા ચેનલ પર ખુશાલ ચહેરાથી બંને બહેનોએ એક સાથે વિડિયો વાયરલ કરીને કેટલીક નવી બાબતો કરી છે જેમાં આ બંને બહેનોએ ખુલાસો કર્યો છે કે, વર્ષ ૨૦૧૩થી પિતા જનાર્દનની તબિયત ખરાબ હતી ત્યારથી જ પરિવારના સભ્યો સ્વામીના સંપર્કમાં હતા. વિડિયોમાં તત્વપ્રિયાઆનંદા અને નિત્યાનંદિતાએ કહ્યું છે કે, છ લોકોના અમારા પરિવારમાં અમે બે બહેનો અને અન્ય બે બહેનો છીએ. છેલ્લા છ વર્ષથી સ્વામીના સંપર્કમાં છીએ. ૨૦૧૩માં પિતાની બિમારી સમયે સ્વામીના સંપર્કમાં આવ્યા હતા. છ વર્ષથી પરિવારને સુરક્ષા આપવામાં આવી હતી. મફત શિક્ષણ, રહેવાની વ્યવસ્થા, સારા અભ્યાસની વ્યવસ્થા પણ સ્વામીએ કરી હતી.

             હાથીજણ નિત્યાનંદ આશ્રમમાં ગુમ થયેલી નિત્યાનંદિતા વિવાદ મામલે છેલ્લા એક સપ્તાહથી નિત્યાનંદિતા અને તત્વાપ્રિયા આનંદાએ અનેક વીડિયો સોશિયલ મીડિયો પર પોસ્ટ કર્યા છે. તા.૨૬મીએ ઇન્ડિયા આવવાના વીડિયો બાદ વધુ બંને બહેનોએ પહેલી વાર પોત પોતાની ચેનલ પર એકસાથે વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે સ્વામીજી સાથેના સંપર્ક વિશે ખુલાસો કર્યો છે. તત્વાપ્રિયાઆનંદા અને નિત્યાનંદિતાએ વીડિયોમાં જણાવ્યું કે, અમારો છ લોકોનો પરિવાર છે. જેમાં અમે બે બહેનો અને અન્ય બે બહેનો છીએ અને પિતા જનાર્દન અને માતા ભુવનેશ્વરી છે. સ્વામીજી અમારા પરિવારું સારી રીતે ધ્યાન રાખતા હતા. છેલ્લા છ વર્ષથી અમે સ્વામીજીના સંપર્કમાં છીએ અને આ વાતથી અમારા માતા-પિતા ખુબ ખુશ હતા.

૨૦૧૩માં અમારા પિતાની બીમારી સમયથી અમે સ્વામીજીના સંપર્કમાં છીએ. છ વર્ષથી જેણે તમારા પરિવારને સુરક્ષા આપી હોય,જેમાં ફ્રી એજ્યુકેશન ફૂડ, રહેવાની વ્યવસ્થા, સારું ભણતર, અને આશીર્વાદ આપ્યા છે. મારા પિતાએ ભૂલવુ ન જોઇએ કે, સ્વામીજીએ તેમને નવજીવન બક્ષ્યુ છે. પિતા જનાર્દન અને માતા ભુવનેશ્વરીએ સ્વામીજીના હિલિંગ પાવર વિશે અનેક વીડિયો પણ શેર કર્યા છે. પિતા જનાર્દનને અનેક ઓપન હાર્ટ સર્જરી કરાવી હતી. મે ૨૦૧૩માં ડોક્ટરે પણ કહ્યું હતું કે હવે તે જીવી શકે તેમ નથી. ત્યાં સુધી અમે સ્વામીજી વિશે કશું જ જાણતા ન હતા.

             જ્યારે ડોક્ટરે આવું કહ્યું ત્યારે માતા ભુવનેશ્વરી તાત્કાલિક ત્યાંથી નીકળીને આશ્રમ ગઈ હતી અને સ્વામીજીને પતિની મદદ કરવા માટે કહે છે, ત્યારે સ્વામીજીએ ભુવનેશ્વરીને કહ્યું કે તમારા ચાર બાળકો જ નહીં પરંતુ તમે પણ મારા બાળકની જેમ જ છો. ત્યારે આજે જ્યારે તેમની કૃપાથી પિતા જીવિત છે. હવે જનાર્દન સ્વામીજી વિરુદ્ધ જે કઈ પણ કરી રહ્યાં છે તેમને એ ન ભૂલવું જોઇએ કે એક સમયે સ્વામીજીએ તેમને નવજીવન આપ્યું હતું. બંને બહેનોના ખુશખુશાલ ચહેરા સાથે શેર કરાયેલા આ વિડિયોને લઇ સમગ્ર મામલો વધુ ગરમાયો છે અને કોણ સાચુ કોણ ખોટુનો પડકાર પોલીસ અને તંત્ર સામે પણ આવીને ઉભો છે ત્યારે આગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થાય તેવું મનાઇ રહ્યું છે.

(9:41 pm IST)