Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

સુરતમાં કલરના વેપારીઓ પાસેથી માલ ખરીદી પેમેન્ટ ચૂકવ્યા વગર ફરાર થઇ જનાર બે વેપારી વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરમાં સંખ્યાબંધ કેમિકલ, કલરના વેપારીઓનું પેમેન્ટ ચૂકવ્યા વિના દિવાળી અગાઉ ઓફિસ બંધ કરી ફરાર થઇ ગયેલા પાંડેસરા જીઆઈડીસીના બે વેપારી વિરુદ્ધ રૂ.50.36 લાખની ઠગાઈની ફરિયાદ ભોગ બનનાર પૈકી એક રીંગરોડના વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાવી છે. જયારે વેપારીએ બંને વેપારી પાસે પેમેન્ટની માંગણી કરી ત્યારે તેમણે ઇન્કમટેક્સની રેઇડ પડી છે થોડા દિવસ થોભી જવા કહી બાદમાં ધમકી આપી હતી અને પેમેન્ટ કર્યા વિના ફરાર થઇ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઘોડદોડ રોડ સંકલ્પ સોસાયટી ઘર નં.51માં રહેતા 45 વર્ષીય સાકેતભાઈ ગિરધરલાલ વૈદ્ય રીંગરોડ વર્લ્ડ ટ્રેડ સેન્ટર દુકાન નં.5003માં આયુષ બાયો એનર્જીના નામે કેમિકલ,કલરનો વેપાર કરે છે. ગત વર્ષ 2014 માં પાંડેસરા જીઆઇડીસી વડોદ 146/બી ખાતે જય ભગવતી ટેક્ષ પ્રિન્ટના નામે સાડી, ડ્રેસ મટીરીયલ ઉપર જોબવર્ક અને ડાઇંગ-પ્રિન્ટીંગનું કામ કરતા વિનયભાઈ ચૌધરી અને અરુણભાઈ ચૌધરી તેમની ઓફિસે આવ્યા હતા અને પોતાનું મોટું કામ છે અને તે માટે મોટી માત્રામાં કેમિકલ અને કલરની જરૂર રહે છે તેમ કહી કેમિકલ અને કલરના ઘણા વેપારીઓ પાસેથી કરેલી ખરીદી અને તેનું સમયસર પેમેન્ટ કર્યું હતું તે રસીદો બતાવી હતી. બંને ઉપર વિશ્વાસ બેસતા સાકેતભાઈએ પોતાના કેમિકલ, કલરના સેમ્પલ આપ્યા હતા જે બંને વેપારીએ ઓ.કે કરતા તેમની સાથે વેપાર શરુ કર્યો હતો.

(5:31 pm IST)