Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

અમદાવાદ પાંજરાપોળ વિસ્‍તારમાં બાઇક ફૂલ સ્પીડથી ચાલતા ૨ યુવકોનો ભોગ લેવાયાનું ખુલ્યુઃ સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા

અમદાવાદ :અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં ગઈકાલે બીઆરટીએસ બસ અને બાઈકચાલક વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ ભારે વિવાદ સર્જાયો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારે ગઈકાલે અકસ્માતના એક સીસીટીવી સામે આવ્યા બાદ આજે બીજા સીસીટીવી મળ્યા છે. આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાઈક અત્યંત ઝડપથી જઈ રહ્યું અને બસ સાથે ટકરાયુ હતું. બંને ભાઈઓના મોત મામલાના તપાસમાં પોલીસ માટે આ સીસીટીવી બહુ જ મહત્વના સાબિત થઈ શકે છે. આ સીસીટીવીના આધારે પોલીસ પણ ચોકક્સ તારણ પર પહોચી શકે છે.

સ્પીડમાં હંકારવાને કારણે બાઈક કન્ટ્રોલમાં રહેતુ નથી

પાંજરાપોળ BRTS અકસ્માત મામલામાં અકસ્માતના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, પોલિટેકનિકથી આઈઆઈએમ તરફ જઈ રહેલા બંને ભાઈઓ સ્પીડમાં બાઈક હંકારી રહ્યા છે. આવામાં બાઈક કન્ટ્રોલમાં નથી રહેતું અને બીઆરટીએસ સાથે અથડાય છે. બાઇક-બસની ટક્કર બાદ બાઇકસવાર ભાઈઓ નીચે પટકાય છે. બાઈક સાથે બંને જણા બસના ટાયર નીચે આવી જાય છે. આવામાં બસના તોતિંગ ટાયર તેમના પર ફરી વળે છે. 

હજી પણ અન્ય એન્ગલ તપાસવાના બાકી

ગઈકાલે એક સીસીટીવી બાદ આજે બીજા સીસીટીવી સામે આવ્યા છે. પ્રાથમિક તારણમાં બાઈક સ્પીડમા હતુ તે સામે આવ્યું છે, પરંતુ આ સિવાય એક્સિડન્ટ સર્જાયો ત્યારે ટ્રાફિક સિગ્નલનું ટાઈમર કયા સમયે હતું, બસ સાઈડનું અને વાહન ચાલકો માટેનું સિગ્નલ બંધ હતું કે ચાલુ, સિગ્નલ પર બીઆરટીએસના ડ્રાઈવરે સિગ્નલનો ભંગ કર્યો હતો કે નહિ, બસની સ્પીડ કેટલી હતી તે તમામ બાબતો પણ તપાસનો વિષય છે. આ તમામ બાબતો સામે આવ્યા બાદ જ પોલીસ ચોક્કસ તારણ પર સામે આવી શકે છે.

કરોડોના ખર્ચે લગાવાયેલા સીસીટીવી કોઈ જ કામના નથી

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલા BRTS અકસ્માત મામલે CCTV ફુટેજ બહુ જ મહત્વનો પુરાવો છે. પરંતુ પાંજરાપોળ જંકશન પર 16 થી વધુ કેમેરા હોવા છતા અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી. AMC એ રિલીઝ કરેલા ફૂટેજ અંગે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. કારણ કે, AMCના ફુટેજની ક્વોલિટી યોગ્ય નથી. 16 કેમેરા લાગેલા છે, પણ એક પણ કેમેરો ચાલતો નથી. પોલીસના PTZ કેમેરા પણ બન્યા શોભાના ગાંઠીયા બન્યા છે. તો CCTV ફૂટેજ મામલે AMC અને પોલીસની એકબીજાને ખો આપી રહી છે.

(5:01 pm IST)