Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ટાપુ પર આરામની જીંદગી જીવવા નિત્યાનંદ અલગ દુનિયા વસાવવા માંગે છે

ભોગ વિલાસ અને કોઇની ખલેલ ન પહોંચે તે માટે : અમેરીકાના ફલોરીડા ટાપુ પર નજરઃ અનુયાયીઓ અન્ય ટાપુની શોધમાં

અમદાવાદ : આધ્યાત્મિકતાના નામે ભોળા લોકોની આસ્થાનો દુરૂપયોગ   કરનાર  નિત્યાનંદ અંગેના રોજ નિત નવા રહસ્યો ખૂલતા જાય છે. અબજો રૂપિયાનો સ્વામી નિત્યાનંદ ભોગ વિલાસની જીંદગી આરામથી કોઈની દખલગીરી કે ખલેલ વિના જીવી શકે તેમાટે એક ટાપુ પર અલગ જ દુનિયા વસાવવા માંગે છે.

 આથી, તેના અનુયાયીઓએ ટાપુની ખરીદી કરવા તજવીજ હાથ ધરી હોવાનો  નિત્યાનંદની એક શિષ્યાએ ખુલાસો કર્યો છે.લંપટ નિત્યાનંદ પોતાની અલગ જ દુનિયા વસાવવા માંગે છે, જ્યાં તે પોતાનું સામ્રાજ્ય સ્થાપી શકે. આથી, નિત્યાનંદના અનુયાયીઓ હાલ દેશ-વિદેશમાં આવા ટાપુની શોધમાં છે.કેટલાક અનુયાયીઓ કેરેબિયન કે બહામા અને   આસપાસના ટાપુ પર નજર દોડાવી રહ્યા છે.

જ્યારે નિત્યાનંદની એક શિષ્યાના જણાવ્યા મુજબ ગુરૂની નજર અમેરિકાના ફ્લોરિડા નજીકના ટાપુ પર  છે. નિત્યાનંદ આધ્યાત્મિકતાના નામે ભોગ વિલાસ કરવા માંગે છે, તેમ છતાં તેને કાયદા કાનૂનનો કોઈ ભય ન રહે તે માટે દૂર નિર્જન સ્થળે રહેવા માંગે છે. આથી, ટાપુની શોધમાં તેના અનુયાયીઓ ફરી રહ્યા છે. તેવુ પ્રસિધ્ધ થયું છે. 

(3:46 pm IST)