Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

નિત્યાનંદ આશ્રમ વિવાદ :આખરે લાપતા યુવતીઓનો અહેવાલ મિનીસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સને મોકલાયો

વિદેશ મંત્રાલય અને કેન્દ્રીય ગૃહ વિભાગને માહિતગાર કરશે

અમદાવાદ :નિત્યાનંદ આશ્રમના વિવાદ મામલે સમગ્ર કેસને લઈને આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓની તપાસને લઈને તપાસ કરનારી SITની ટીમે મોટા કાર્યવાહી હાથ ધરી છે. SIT દ્વારા મિનીસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ (MEA) ને જાણ કરવામાં આવી છે. SITની ટીમે મિનીસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સને ગુમ થયેલ યુવતીઓ અંગેનો વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો છે.

પોલીસે નિત્યનંદિતાની પાસપોર્ટની વિગતો મેળવી છે. તેમજ પોલીસે ઇમિગ્રેશન વિભાગ પાસેથી પણ વિગતો માંગી છે. આશ્રમ વિરુદ્ધના કેસની અત્યાર સુધીની તપાસ અંગેનો અહેવાલ ઇમિગ્રેશન વિભાગને આપ્યો છે. ટૂંક સમયમાં જ પોલીસ વિદેશ મંત્રાલય અને કેન્દ્રીય ગૃહ વિભાગને આ અંગે માહિતગાર કરશે. ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદ વર્ષ 2016થી કર્ણાટક રાજ્યમાંથી ગુમ છે. નોન બેલેબલ ઓફેન્સ દાખલ થતા નિત્યાનંદે ભારત સહિતના તમામ આશ્રમો છોડયા છે. ત્યારબાદ તમામ આશ્રમોના સંચાલકો સાથે ડિજિટલી નિત્યાનંદ સાથે સંપર્કમાં હોવાનું પોલીસનું અનુમાન છે. તેથી આ મામલે અમદાવાદ જિલ્લા પોલીસની ટીમ કર્ણાટક જઈને તપાસ કરશે. નિત્યાનંદ પર નોંધાયેલા ગુનાની, પાસપોર્ટની વિગત, આશ્રમની વિગત, રેડ કોર્નર નોટીસની વિગતો મેળવશે.

સ્વામી નિત્યાનંદ આશ્રમના વિવાદમાં અમદાવાદના આશ્રમની બે સેવિકાઓની ધરપકડ કરાઈ છે. ત્યારે બે દિવસ બાદ બંને આરોપીઓ પોલીસ તપાસમાં સહયોગ આપી રહી છે તેવુ પોલીસે જણાવ્યું. પોલીસે આશ્રમમાંથી 60 જેટલા ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ કર્યા કબ્જે કર્યા હતા. આ તમામ ઇન્સ્ટ્રુમેન્ટમાં શુ વ્યવહારો થયા અને શું ડેટા છે તે અંગે તપાસ ચાલી રહી છે. આ ઇન્સ્ટ્રુમેન્ટના માધ્યમથી નિત્યાનંદ સાથે બંને આરોપી સાધ્વીઓ સંપર્કમાં હોવાની આશંકા છે. તેમજ જો ડેટા ડિલીટ થયો હશે તો એફએસએલની મદદ લઈને તેને પરત મેળવવાનો પ્રયાસ કરાશે.

(12:32 pm IST)