Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

નાટકો નથી જોઇતા, સરકાર ત્રણ મહિનામાં સર્વે કરાવે : હાર્દિક પટેલ

હાર્દિક પટેલ ગાંધીનગર ખાતે ગુજરાતભરના પાસ કન્વીનરો સાથે ઓબીસી આયોગની મુલાકાત લેશે :ત્રણ વર્ષમાં મહારાષ્ટ્ર સરકારની બુધ્ધિ ચાલતી હોય તો ગુજરાત સરકાર ૨૫ વર્ષથી શું ડમરૃં વગાડે છે?

અમદાવાદ તા. ૨૨ : પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) નેતા હાર્દિક પટેલ ગાંધીનગર ખાતે ગુજરાતભરના પાસના કન્વિનરો સાથે ઓબીસી આયોગની મુલાકાત લેશે. ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં સાથે હાર્દિકે એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે પાટીદાર સમાજ તરફથી આ છેલ્લો પ્રયાસ છે. હવે પછી આરપારની લડાઈ લડવામાં આવશે. પ્રસ્તુત છે હાર્દિક પટેલ સાથે મયુર માંકડિયાની વાતચીતના ખાસ અંશો.

'ગુજરાતમાં આનંદીબેન સરકારે ૧૦ ટકા ઇબીસીની જાહેરાત કરી હતી. આ વખતે હાઇકોર્ટે સૂચન કર્યું હતું કે આ અનામત કોઈ પણ પ્રકારના સર્વે વગર આપવામાં આવ્યું હોવાથી તેને માન્ય રાખી શકાય નહી. સાથે કોર્ટે આદેશ કર્યો હતો કે સર્વે બાદ જ અનામત આપી શકાય. ગુજરાતમાં સર્વે થશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સર્વેમાં ખબર પડી જશે કે પાટીદાર સમાજ કેટલો દુઃખી અને પછાત છે. સર્વેની માંગણી સાથે જ અમે ઓબીસી કમિશન સમક્ષ રજુઆત કરીશું. અમે પંચને વિનંતી કરીશું કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં સર્વે કરીને તમે જ નક્કી કરો કે પાટીદાર સમાજને અનામતની જરૂર છે કે નહીં.'

 'આનંદીબેને જે અનામતની જાહેરાત કરી હતી તે સર્વે કર્યા વગર જ કરી હતી. આથી તે બંધારણીય ન હતું. અમે ઇચ્છીએ છીએ કે દસ લોકોની સમિતિ બનાવવામાં આવે, આ સમિતિમાં પાટીદારના પાંચ લોકોનો પણ સમાવેશ કરવામાં આવે જેનાથી ઇમાનદારીથી સર્વે કરી શકાય.'

મહારાષ્ટ્ર સરકારે ત્રણ જ વર્ષમાં સર્વે કરીને અનામતની જાહેરાત આપી દેવા અંગે હાર્દિકે કહ્યુ કે,'મહારાષ્ટ્ર સરકારને ફકત ત્રણ જ વર્ષમાં આટલી બુદ્ઘિ ચાલતી હોય તો ગુજરાતની સરકાર શું છેલ્લા ૨૫ વર્ષથી ડમરું વગાડે છે? આટલા અનુભવ પછી પણ સરકાર લોકોને મુર્ખ બનાવે છે. મહારાષ્ટ્ર સરકારે અનામતની જાહેરાત કરી એટલે સરકાર સફાળી જાગી છે અને નાટકો શરૂ કર્યા છે. અમારે કોઈ નાટકો નથી જોઈતા. અમે ઇચ્છીએ છીએ કે ત્રણ મહિનામાં સર્વે થાય અને અનામતની જાહેરાત કરવામાં આવે. ૨૫ વર્ષના યુવકો સરકાર સામે લડી રહ્યા હોવાથી સરકારને પોતાનો અહંકાર નડે છે. અમે ૪૫જ્રાક વખત રજુઆત કરી રહ્યા છીએ. આ અમારી છેલ્લી રજુઆત છે. બાદમાં અમે આરપારની લડાઈ લડીશું.'

'ઓબીસી આયોગના અધ્યક્ષ સુજ્ઞાબેન ભટ્ટ સત્તાના મદનમાં લાલ લાઇટ લઈને ફરી રહ્યા છે. આ કમિશન અમારી રજુઆતને શા માટે ગંભીરતાથી નથી લેતું તે વિચારવા જેવો પ્રશ્ને છે. જો પંચને એવું લાગે તે અન્ય કોઈ સમાજનો પણ સર્વે કરવાની જરૂર છે તો અમને તેની સામે કોઈ જ તકલીફ નથી.'

'અમે બે દિવસમાં ૫૦૦ જેટલા પાટીદારો વિપક્ષના નેતા પરેશ ધાનાણીની મળવા જવાના છીએ. અમારી માંગણી છે કે પાટીદારોને અનામત માટે વિપક્ષ પ્રાઇવેટ બિલ લાવે. ભાજપ જો આ બિલને સમર્થન નહીં કરે તો સાબિત થઈ જશે કે ભાજપ પાટીદાર વિરોધી છે.'

(4:15 pm IST)