Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ત્રણ રાજ્યોની ચૂંટણીએ સુરતના સાડી વેપારીઓને બખ્ખા કરાવી દીધા

રાજકીય પાર્ટીઓ આપી રહી છે સસ્તી સાડીના ઓર્ડર : ૨૦૦ કરોડની સાડીઓ વેચવાનો અંદાજ

સુરત તા. ૨૨ : છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમા યોજાનારી ચૂંટણી સુરતમાં સસ્તી સાડીઓ બનાવનારા વેપારીઓને ફાયદો કરાવી રહી છે. સુરતના કાપડ વેપારીઓ ચૂંટણી ધરાવતા રાજયોમાં ૨૦૦ કરોડ રૂપિયાની સાડીઓ વેચી હોવાનો અંદાજ લગાવી રહ્યા છે. GST લાગુ કરાયા બાદ શહેરમાં પોલિસ્ટરનું દૈનિક ટર્નઓવર ૭૫ કરોડ થઈ ગયું હતું, જે પહેલા ૧૧૦ કરોડનું હતું.ત્યારે ફરી એકવાર સાડી ઉદ્યોગ ધમધમી ઉઠ્યો છે.

ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું કે, ચૂંટણી પ્રભાવી રાજયોના રીમોટ અને ગ્રામિણ વિસ્તારની મહિલા વોટરોને આકર્ષવા માટે ઉમેદવાર ૧૦૦થી ૨૦૦ રૂપિયાની સાડીઓ તેમને વેંચી રહ્યા છે. સુરત ટેકસટાઈલ ટ્રેડર્સ એસોસિયેશનના સેક્રેટરી, ચંપાલાલ બોથરાએ જણાવ્યું કે, સસ્તી સાડી વેચનારા લોકો માટે આ મોડી દીવાળી છે. અત્યારથી ઓર્ડર આવવાનું શરૂ થઈ ગયા છે અને અમને ૨૦૦ કરોડની સાડીઓ વેચવાનો અંદાજ છે.

સલાબતપુરામાં હોલસેલ સાડીના વેપારી સંજય બંસલે હાલમાં જ ૧૦૦થી ૧૫૦ રૂપિયાની કિંમતની ૫૦,૦૦૦ સસ્તી સાડીઓનો જથ્થો મધ્ય પ્રદેશ અને રાજસ્થાન મોકલ્યો છે. તેમણે જણાવ્યું કે, રાજકીય પાર્ટીમાં કામ કરતા એજન્ટ દ્વારા અમને સીધો આર્ડર આપવામાં આવે છે. મારી પાસે હાલમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી કુલ ૭૫,૦૦૦ સાડીઓના આર્ડર છે.

સસ્તી પોલિસ્ટરની સાડીઓ માટે સુરત પ્રખ્યાત છે. ખરીદદારને અહીં ૭૦ રૂપિયામાં પણ સાડી મળી શકે છે. ટેકસટાઈલ માર્કેટમાં વાર્ષિક ૧૫,૦૦૦ કરોડના ટર્નઓવરમાં ૫૦૦૦ કરોડનું માત્ર સુરતમાં સસ્તી સાડીના વેચાણથી થાય છે. ટેકસટાઈલ વેપારીઓ મહારાષ્ટ્રના ભિવંડી અને માલેગાવથી અધુરું કાપડ ખરીદે છે, જે તેમને ૯ રૂપિયા પ્રતિ મીટરમાં પડે છે. આ કપડાને શહેરની ટેકસટાઈલ મિલોમાં પ્રોસેસ કરવામાં આવે છે. પ્રત્યેત સાડી પર વેપારીઓનો ૫થી ૧૦ ટકા નફો હોય છે.

(11:02 am IST)