Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ઓનલાઈનથી બાળકોમાં આંખની સમસ્યા બમણી થઈ

કોરોનાના નિયંત્રણોને લીધે બાળકોમાં આંખની સમસ્યા : પ્રવર્તમાન સમયમાં આંખની સમસ્યાના લક્ષમ દેખાય તો તત્કાળ ડોક્ટરનો સંપર્ક સાધવા નિષ્ણાતને સલાહ

અમદાવાદ, તા.૨૨ : વૈશ્વિક સ્તરે નાના બાળકોમાં આંખોને લગતી સમસ્યાઓનું પ્રમાણ છેલ્લા બે વર્ષના સમય દરમિયાન બમણું થયું છે. જેના મુખ્ય કારણો જોઈએ તો કોવિડને કારણે લદાયેલા નિયંત્રણોના પરિણામે, વર્તમાન સમયમાં બાળકોની ઈનડોર ગેમ્સ, વધુ પડતું ટીવી જોવું અને ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ અમલી બનતા નાના બાળકોમાં આંખને લગતી સમસ્યાઓ ખૂબ વધવા  પામી છે. કમનસીબે આ વધારો પુખ્તવયના લોકોની તુલનાએ નાની વયના બાળકોમાં વધુ જોવાય છે. અમદાવાદના જાણીતા પીડ્યાટ્રીક ઓપ્થોલોજીસ્ટ ડો.કલ્પિત શાહે જણાવ્યું હતું કે, પહેલાના  સમય કરતા વધારે વર્તમાન સમયમાં નાની વયના બાળકોમાં આંખને લગતી સમસ્યાઓમાં  કમ્પલેઈન વાઈસ ૧૫ થી ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, જે બાળકોને આંખને લગતી સમસ્યાઓ હતી તેવા બાળકોમાં આંખને લગતી સમસ્યાઓના પ્રમાણમાં ૮૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. ડો. શાહે વધુમાં જણાવ્યું હતું કે, નાના બાળકોમાં આંખને લગતી ઘણી બધી સમસ્યાઓ છે,

            જેમ કે ત્રાંસી આંખ હોવી, આળસુ આંખ હોવી, દ્રષ્ટિના વિકાસની ખામી, સૂકી આંખ થવી, જન્મજાત મોતિયો થવો, ચશ્માંની ખામી થવી, આંખનાં સ્નાયુની તકલીફો વગેરે સમસ્યાઓના ઘણાબધાં કારણો હોય છે. આ સિવાય વર્તમાન સમયમાં પ્રિમેચ્યોર ડિલવરી વધારે પ્રમાણમાં થાય છે. આવા સંજોગોમાં બાળકને બચાવવા માટે કાચની પેટીમાં રાખવામાં આવે છે અને ઓકસિજન આપવામાં આવે છે, પરંતુ ઘણીવાર એ જ ઓકસિજનના કારણે બાળકની આંખનો વિકાસ અટકતો જોવા મળે છે. જેની ખબર લાંબાગાળે જોવા મળે છે. આવા કિસ્સાઓમાં જે તે સમયે આંખના નિષ્ણાત ડોકટરની સલાહ લેવી અત્યંત જરૂરી બને છે. આ સિવાય જીનેટેકલી સમસ્યા અને વિટામિન ડી ૩ની ઉણપના કારણે પણ નાના બાળકોમાં આંખના નંબરની, તેમજ ડ્રાય આંખની સમસ્યાઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. નાના બાળકોમાં આંખોને લગતી વધેલી સમસ્યાઓ ચિંતાનો વિષય છે. જો તમારૂ બાળક વધારે પડતું ટીવી જોતું હોય અને મોબાઈલનો ઉપયોગ વધારે પડતો કરતું હોય તો, સમયાતંરે  તમારા બાળકની આંખની તપાસ નિષ્ણાત ડોકટર પાસે કરાવવી હિતાવહ છે.

(8:38 pm IST)