Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

વડોદરામાં જીએસટી વિભાગની ટીમે વાહન ચેકીંગ હાથ ધરી 6 બસોને રોકી 26 લાખની કરચોરી ઝડપી પાડી

વડોદરા:સ્ટેટ જીએસટી વિભાગની મોબાઇલ સ્કવોડ અને અન્વેષણ શાખાએ ગુજરાતથી મધ્યપ્રદેશ આવતી - જતી ખાનગી ટ્રાવેલ્સ બસોનું જૂની દાહોદ ચેક પોસ્ટ પાસે ચેકિંગ હાથ ધરીને ૬ બસોને રોકીને તપાસ હાથ ધરી હતી, અને ૨૬ લાખની કરચોરી ઝડપી પાડી હતી. 

કેટલાક વેપારીઓ દ્વારા માલની રવાનગી પેસેન્જર બસોમાં કરીને ટેક્સનું અનુપાલન બરાબર કોમપ્લાયન્સ થતું નથી, તેવી બાતમી મળતા છેલ્લા કેટલાક સમયથી ખાનગી પેસેન્જર બસમાં થતાં માલની હેરાફેરીની પુરાવાઓની ચકાસણી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી રહી હતી. જેથી વિભાગ દ્વારા ચાર ખાસ ટીમો બનાવીને ગુજરાતથી મધ્યપ્રદેશ આવતી અને જતી ખાનગી ટ્રાવેલ્સની બસોની ચકાસણી કરેલી હતી. જે પૈકી ૫ ખાનગી ટ્રાવેલ્સની ૬ પેસેન્જર બસોમાંથી પાન મસાલા, સીગારેટ, કાપડ, સાડીઓ, તેમજ સબમર્સિબલ પમ્પ જેવી વસ્તુઓના બિલ તથા ઇ - વે બિલ વગેરે મળી આવતા કરચોરી કરવામાં આવી હોવાનું જાણાતાં બસ ડિટેન કરવામાં આવી હતી, અને માલ જપ્ત કરાયો હતો. બસો સ્કાયસીટી ટ્રાવેલ્સ, નાકોડા ટ્રાવેલ્સ, ઇન્ટરસિટી ટ્રાવેલ્સ, ઉર્વશી ટ્રાવેલ્સ તથા અશોક બસ સર્વિસની હતી. આ કાર્યવાહીમાં અંદાજે ૨૬ લાખની કરચોરી પકડી પાડવામાં આવી છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા પેસેન્જર બસોમાં થતી માલની હેરાફેરીમાં ટેક્સનું અનુપાલન બરાબર થાય તે માટે આ પ્રકારની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કરચોરીમાં સંડોવાયેલ તમામ વેપારીઓ તથા ટ્રાન્સપોર્ટર્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. 

(6:10 pm IST)