Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

અમદાવાદના સાબરમતી વિસ્‍તારમાં મોબાઇલ એપ્‍લીકેશન મારફત ગેરકાયદે શેરબજારનું ડબ્‍બા ટ્રેડીંગ કરનાર શખ્‍સને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી લીધો

બનાવટી આઇડી યુઝર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લાભ લેતોઃ 2 ની શોધખોળ

અમદાવાદ: સાબરમતી વિસ્તારમાંથી મોબાઈલ એપ્લીકેશન મારફતે ગેરકાયદેસર રીતે શેરબજારનુ ડબ્બા ટ્રેડીંગ કરનાર એક શખ્સની સાયબર ક્રાઈમની ટીમે ધરપકડ કરી છે. જ્યારે બીજા બેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે, સાબરમતી ડી કેબિના પાસે શ્રીજી ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતો અંકિત સંઘવી તેના ઘરની આજુબાજુના વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ મોબાઈલ ફોનમાં ઓનલાઈન એપ્લીકેશનો ઉપયોગ કરે છે જેમાં ભારત સરકારના સેબી દ્વારા અધિકૃત કરેલા કોઈ પણ સ્ટોક એકસચેન્જનો માન્ય સભ્ય કે એજન્ટ નહીં હોવા છંતા ગેરકાયદેસર રીતે શેરબજારનુ ડબ્બા ટ્રેડીંગનુ કામ કરી રહ્યો છે.

અંકિત સંઘવી ગ્રાઉન્ડ ફલોર પર આવેલા પાર્કીગમાં બાંકડા પર બેસી મોબાઈલ ફોનમાં એપ્લીકેશનથી લાઈવ ચાલતા શેરના ભાવ-તાલ જોઈને કોઈ પ્રવૃતિ કરતો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે અંકિત જુહારમલ સંઘવી( ઉ.42 રહે. શ્રીજી ક્રિષ્ના એપાર્ટમેન્ટ, ડી કેબિન સાબરમતી) ની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, તે છેલ્લા આઠ મહિનાથી આ કામ કરે છે અને આ કામ કરવા માટે તેને મુકેશ ઉર્ફે પિન્ટુ ઠકકર તથા તેના પાર્ટનર જીતુભાઈ એ મેટાટ્રેડર-5 નામની મોબાઈલ એપ્લીકેશન તેના નામના તથા તેમજ બીજાના બનાવટી નામની આઈડીઓના યુઝર આઈડી પાસવર્ડ સાથે આપ્યા હતા. જે આઈડીઓનો ઉપયોગ કરીને આ પિન્ટુ તથા જીતુભાઈએ જે ગ્રાહકોનો સંપર્ક કરાવી આપ્યો હતો તે ગ્રાહકોને શેર લેવા કે વેચવા માટે તે આ સોદાને એપ્લીકેશનમાં નોંધતો હતો અને એક અઠવાડીયાના અંતે જે પણ શેરબજારના સોદાથી નફા-નુકશાન થયુ હોય તો તેના હિસાબનો રોકડેથી વ્યવ્હાર કરતો હતો. આ કેસમાં વધુ બે શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

(5:50 pm IST)