Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

એક અઠવાડિયાથી ગુજરાતમાં વિજ કટોકટી સર્જાઇઃ કિસાન સંઘ દ્વારા મુખ્‍યમંત્રીને પતર પાઠવીને રજુઆતઃ ખેડૂતોની કામગીરી ઉપર ભારે અસર પડી

ટૂંક સમયમાં આ સમસ્‍યાનું નિરાકરણ થશેઃ ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇ

અમદાવાદ: દેશભરમાં કોલસાની અછતને કારણે વીજ સંકટ મંડરાઈ રહ્યું છે. ત્યારે વીજ કાપને લઈ કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કિસાન સંઘે ખેતીવાડીમાં રાજ્યમાં ઉભી થયેલી તીવ્ર કોટકટીમાં દરમિયાનગીરી કરવા અપીલ કરી છે. એક અઠવાડિયાથી રાજ્યમાં વીજ કટોકટી હોવાનુ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. કિસાનસંઘે મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને નિયમિત વીજળી આપવાની રજૂઆત કરી છે. છેલ્લાં 15 દિવસથી ચાલી રહેલા વીજ કાપની અસર ખેડૂતોની કામગીરી પર દેખાઈ રહી છે. તો બીજી તરફ, ઊર્જા મંત્રી કનુ દેસાઈએ આ વીજ સંકટ ગણતરીના દિવસોનો જ હોવાનું કહ્યું છે.

રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, રાજ્યમાં કોલસા અને વીજ પુરવઠાની સમસ્યા ગણતરીના દિવસોની જ છે. ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ થશે અને પરિસ્થિતિ યથાવત થશે તેવી ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં વીજ પુરવઠા મામલે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલી માંગના મુદ્દે પણ સરકાર ગંભીર છે. રાજ્યમાં ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખી આગામી સમયમાં ખેતી માટે રાત્રે પણ વીજ પુરવઠો પૂરો પાડવા માટે સરકાર વિચારી રહી છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં જ્યાં વીજ પુરવઠાની જરૂરિયાત છે. તેવા વિસ્તારોમાં ખેડૂતો માટે રાત્રે પણ વીજ પૂરવઠો આપવાં માટે સરકાર પ્લાનિંગ કરી રહી છે.

વીજ કાપની ખેડૂતો પર અસર

સાબરકાંઠાના ખેડૂતોએ કહ્યું કે, વીજ કાપની અસર દૂધના પ્રોડક્શન પર વર્તાઈ રહી છે. વીજ કાપને કારણે સાંજે દૂધ કાઢવાના સમયે હાથેથી દૂધ કાઢતા દૂધમાં ઘટાડો થયો છે. હિંમતનગરના બેરણા ગામના પશુ પાલકોએ કહ્યું કે, વીજ કાપને લઈને 30 લીટર દૂધમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 15 દિવસથી વીજ કાપની દૂધ પર અસર વર્તાઈ છે. 150 લીટર દૂધને બદલે 120 લીટર દૂધ નીકળે છે. સાંજના અમારા ખેતીના કામ પણ અટવાઈ ગયા છે.

(5:46 pm IST)