Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

કરજણ વહિવટી સંકુલના ઈજનેરોની બદલી કરીને સક્ષમ ઇજનેરોને રાજપીપળા મુકવા સાંસદની સી.એમ.ને રજુઆત

કરજણ ડેમમાં એકના એક અધિકારીઓ છેલ્લા ૨૫,૨૬ વર્ષથી ફરજ બજાવતા હોવાથી બેફીકરથી કામો કરતા હોવાનો સાંસદનો સી.આમ.ને લખેલા પત્રમાં આક્ષેપ

(ભરત શાહ) રાજપીપળા : ભરૂચ સાંસદ સભ્ય મનસુખ ભાઇ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે જેમાં જણાવ્યા મુજબ રાજપીપળાની કરજણ જળાશય યોજના ( કરજણ ડેમ ) માં એકના એક અધિકારીઓ છેલ્લા ૨૫ થી ૨૬ વર્ષથી ફરજ બજાવતા હોવાથી બેફીકરથી કામો કરે છે , જેથી કરજણ જળાશય યોજનામાં ઈજનેરો તથા અધિકારી ઓની બેદરકારીને કારણે ઘણી બધી ક્ષતિઓ રહી ગયેલી હતી

  .વર્ષ ૧૯૯૫ થી ૧૯૯૬ માં કરજણ જળાશય યોજનાનું પાણી ગોરા સુધી પહોચતુ હતું.પરંતુ ઘણી બધી કેનાલો તુટી ગઈ હોવાથી આજે ફુલવાડી ભાણદા સુધી પણ આ પાણી પહોચતુ નથી , જેના કારણે ખેડૂતોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આ પહેલા અધિક્ષક ઈજનેરની કચેરી રાજપીપળા ખાતે હતી ત્યારે ખેડૂતોને નાના મોટા કામો કરવા માટે ખુબ જ અનુકુળ રહેતું હતું પરંતુ અધિક્ષક ઇજનેરની કચેરીના બધા જ ઈજનેરો વડોદરાથી અપડાઉન કરતા હોવાથી આ કચેરી વડોદરા ખાતે સ્થળાંતર કરવામાં આવેલી જેના કારણે ઘણા બધા ખેડુતોને નાના મોટો કામો કરવા માટે વડોદરા ખાતે ધકકા ખાવા પડે છે.જેનાથી ખેડુતોને ખુબ જ મુશ્કેલીઓ થાય છે.તેથી હાલમાં અધિક્ષક ઇજનેરની કચેરી , વડોદરા કાર્યરત છે તેને ફરી રાજપીપળા ખાતે ખસેડવામાં આવે અને કરજણ વહિવટી સંકુલ ખાતે ફરજ બજાવતા ઈજનેરોને અન્ય જગ્યા પર બદલી કરવામાં આવે અને એવા ઈજનેરો જે કામ કરવામાં સક્ષમ હોય તેવા અધિકારીઓને રાજપીપળા મુકવામાં આવે તેવી આપ રજુઆત ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા એ સી.એમ.ને પત્ર લખી કરી છે

(10:23 pm IST)