Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

દુષ્કર્મ પીડિતાને બાળક જન્મ્યો, બન્ને એચઆઈવી પોઝિટિવ

૧૭ વર્ષીય કિશોરી અનેકવાર દુષ્કર્મનો ભોગ બની : સુરતના ઉધનામાં ટેક્સટાઈલ યુનિટમાં મજૂરી કામ કરતા શખ્સે પીડિતા ઉપર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું

સુરત, તા. ૨૨ : ૧૭ વર્ષની છોકરી પર છેલ્લા બે વર્ષમાં અનેકવાર દુષ્કર્મ આચરવાના આરોપ હેઠળ પોલીસે બુધવારે ૨૨ વર્ષના શખ્સની ધરપકડ કરી હતી. દુષ્કર્મના કારણે પીડિતાને ગર્ભ રહી ગયો હતો અને થોડા દિવસ પહેલા તેણે બાળકને જન્મ પણ આપ્યો હતો. પીડિતા અને બાળકનો ટેસ્ટ કરાતા બંને એચઆઈવી પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. આરોપી શખ્સ ટેક્સટાઈલ યુનિટમાં મજૂરી કામ કરે છે. પોલીસે ગોલુ સંતોષ ગુપ્તાની ધરપકડ કરી હતી, જે પીડિતાના કાકાનો મિત્ર છે. આરોપી યુવતીના રહેઠાણની નજીકના વિસ્તારમાં રહેતો હતો. પીડિતાના પિતાએ મંગળવારે ઉધના પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. લોકડાઉનના થોડા મહિના પહેલા, પીડિતાની માતા તેમની બે દીકરીઓ સાથે ઉત્તરપ્રદેશમાં આવેલા તેમના વતનમાં રહેવા જતી રહી હતી. જ્યારે પીડિતા, કે જે ત્રણ બહેનોમાં સૌથી મોટી છે તે પિતા સાથે રહેતી હતી. પીડિતાના પિતા રિક્ષા ડ્રાઈવર છે.

પીડિતા ફિઝિયોથેરાપી સેન્ટરમાં કામ કરતી હતી. સેન્ટરમાં પણ તેનું જાતીય શોષણ થયું હશે તેવી પોલીસને આશંકા છે. 'છોકરીની માતા તેની સાથે હોવાથી, તેના પિતાને તેની પ્રેગ્નેન્સી વિશે જાણ નહોતી થઈ. એક મહિના પહેલા તેના પિતાને લાગ્યું કે તે ગર્ભવતી હોઈ શકે છે. પરંતુ તેમણે મામલે પોલીસને જાણ કરી નહીં', તેમ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

(7:34 pm IST)