Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સુરમ્ય એપાર્ટમેન્ટમાં સવારે પાણીની ટાંકી તુટતા ધોધ વછુટયાઃ અમદાવાદના નારણપુરાનાં બે વર્ષ પહેલા પણ પાણીની ટાંકી આ પ્રકારે તુટી હતી

કોઇ જાનહાની નહી પરંતુ રહીશો પાણી વિના ટળવળશેઃ અગાઉ તુટેલી પાણીની ટાંકીમાં રીડેવલપમેન્ટની સ્કીમ પણ લાગુ થઇ ન હતી ત્યાં ફરી તુટી

અમદાવાદ: શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા 132 રિંગ રોડ પરના જયમંગલ બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ સામે આવેલા સુરમ્ય એપાર્ટમેન્ટના બ્લોક નં. 11માં આજે સવારે 5 હજાર લિટરની પાણીની ટાંકી કકડભૂસ થઇને તૂટી ગઇ હતી. જો કે ઘટનામાં કોઇને ઇજા થઇ નથી. પરંતુ પાણીની ટાંકી તૂટવાના કારણે ચોતરફ નદીઓ વહેવા લાગી હતી. અને બ્લોકના રહીશો પાણી વિના ટળવળે તેવી સ્થિતિ સર્જાઇ હતી. અગાઉ એપાર્ટમેન્ટમાં બીજા બ્લોકની પાણીની ટાંકી તૂટી હતી. જેથી એપાર્ટમેન્ટ તથા તેની બાજુના અમર એપાર્ટેન્ટમાં રિડેવલપમેન્ટની સ્કિમ લાગુ કરવામાં આવી હતી. આજે બે વર્ષ ઉપરાંતનો સમય જવા છતાં પત્તુ પણ હલ્યું નથી. અને રહેવાસીઓ જર્જરિત બનેલા ફલેટોમાં જોખમ ઉપાડીને રહે છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સોલા રોડ પર 35 જેટલી સ્કિમો બનાવી હતી. સ્કિમો પૈકીના સુરમ્ય એપાર્ટમેન્ટમાં 16 બ્લોકમાં 180 મકાનો આવેલા છે. દરેક બ્લોકમાં 12 ફલેટો છે. ફલેટો પૈકી બ્લોક નં. 11માં આજે સવારે 9 વાગ્યાની આસપાસ 5 હજાર લીટરની ટાંકી તૂટી ગઇ હતી. ગ્રાઉન્ડ ફલોરમાં 5 હજાર લિટરની અન્ડર ગ્રાઉન્ડ ટાંકી છે. તેમાંથી પાણી ઉપરની ટાંકીમાં ચઢાવવામાં આવે છે. આજે સવારે એકાએક ધાબા પરની ટાંકી તૂટી જતાં પાણી રોડ પર ફરી વળ્યું હતું. જો કે ટાંકી તૂટવાના કારણે કોઇ જાનહાનિ કે કોઇને ઇજા થઇ નથી.

બે વર્ષ પહેલાં પણ ટાંકી તૂટી ગઇ હતી

સુરમ્ય એપાર્ટમેન્ટમાં આજથી બે વર્ષ અગાઉ ઓક્ટોબર મહિનામાં એટલે કે 30/10/2018ના રોજ બ્લોક નં. 14માં ટાંકી તૂટી ગઇ હતી. ત્યાં વળી આજે બીજા બ્લોકની પાણીની ટાંકી તૂટી ગયાની ઘટના બનતાં રહીશોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. કેમ કે, કોર્પોરેશને ફલેટો જર્જરિત થઇ ગયા હોવાની નોટીસ અગાઉ આપેલી છે.

રહીશોની હાલત સાંપે છછંદૂર ગળ્યા જેવી થઇ

2018માં પાણીની ટાંકી તૂટવાના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. દરમિયાનમાં સરકાર તરફથી ફ્રેબુઆરી 2016માં રિડેવલપમેન્ટ સ્કિમ લાવવામાં આવી હતી. સ્કિમ અંતર્ગત સુરમ્ય એપાર્ટમેન્ટના રહીશો તૈયાર થઇ ગયા હતા. રાજયના મહેસુલ મંત્રી કૌશિક પટેલના નેતુત્વ હેઠળ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બોર્ડના આગેવાનો તથા રહીશોના આગેવાનો તથા સ્થાનિક કોર્પોરેટરો વચ્ચે બેઠક યોજાઇ હતી. તે અંતર્ગત જાન્યુઆરી 2019માં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતુ. તે વાતને પણ આજે બે વર્ષ પુરા થશે. પરંતુ હજુ સુધી એક ટકો પણ કામ આગળ ચાલ્યું નહીં હોવાનું સ્થાનિક આગેવાન મનુભાઇ ચૌધરીએ જણાવ્યું છે

રિડેવલપમેન્ટના કારણે રહીશો પોતાના જર્જરિત થઇ ગયેલા મકાનોમાં રિપેરીંગ કરાવતા નથી. બીજી તરફ ડેવલોપર દ્રારા કોઇ કામગીરી હાથ ધરાતી નથી. અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી. પરિણામે પ્રજા પિસાઇ રહી છે. તેમની હાલત સાંપે છંછુદર ગળ્યા જેવી થઇ છે.

(6:27 pm IST)