Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અમદાવાદમાં કોરોનાના કહેર વચ્‍ચે ગરબે રમ્‍યા વગર રહી શકાતુ નથીઃ સેટેલાઇટ વિસ્‍તારમાં ઘરની બહાર ગરબા રમીને પોતાનો શોખ પુરો કર્યો

અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રિની જેટલી આતુરતાથી રાહ જોવાય છે એટલી બીજા કોઈ તહેવાર માટે હોતી નથી. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે લોકોને પોતાની ઈચ્છા મારવી પડી છે. ગરબા રમીને માતાજીની આરાધના કરવાનો થનગનાટ દરેકને થાય છે. પરંતુ કોરોના કહેરના કારણે આ વર્ષે દરેક તહેવારો ફીકા થઇ ગયા છે. ત્યારે નવરાત્રિમાં ગુજરાતીઓ ગરબે રમ્યા વગર રહી ન શકે. આવામાં અમદાવાદની એક સોસાયટીમાં અલગ માહોલ જોવા મળ્યો. લોકો પોતાના ઘરમાં ગરબા કરીને સંતોષ માની રહ્યાં છે. આવામાં અમદાવાદના સેટેલાઈ વિસ્તારમાંના રાજસૂર્ય બંગલોના કેટલાક લોકોએ ઘરની બહાર ગરબા રમીને પોતાનો શોખ પૂરો કર્યો.

ગરબા કરતા સમયે સોસાયટીની તમામ યુવતીઓએ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખ્યું હતું. ટ્રેડિશનલ ડ્રેસની સાથે માસ્ક પહેરવાનું પણ ભૂલી ન હતી. છાયા પંડ્યા, દિપાલી ખંડેલવાલ, પલક પટેલ અને રીટા ભાવસાર નામની મહિલાઓએ સમગ્ર આયોજન કર્યું હતું. 

આ વિશે છાયા પંડ્યાએ જણાવ્યું કે, અમે ગરબા એટલા માટે કરીએ છીએ કે માતાજીની આરાધના કરી શકીએ. કોરોનાના કારણે બહાર જવું શક્ય નથી. તો અમે તમામ ફ્રેન્ડ્સ ઘરના ફળિયામાં જ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગરબા રમ્યા. અમે ગરબે કરીને આરતી કરીએ છીએ. માતાજીની આરાધના કર્યા બાદ આનંદ આવે છે. તો રિચા શાહનું કહેવું છે કે, કોરોનાના કારણે ઘરે જ માતાજીની આરાધના અને ગરબે રમ્યા છીએ. ગરબા રમીને અમારામાં શક્તિનો સંચાર થયો હોય તેવું લાગ્યું.  

તો પલક પટેલ જણાવે છે કે, કોવિડના કારણે બહાર નીકળવું શક્ય નથી. તેથી માતાજીની પ્રાર્થના અને ગરબા અહી જ કર્યા. હવે આવતું વર્ષ પણ સારું જાય તો સારું. ચણિયાચોળી સાથે અમે ટ્રેડિશનલ માસ્કનું મેચિંગ કર્યું હતું અને ગરબા કર્યા બાદ સારું લાગ્યું. 

(5:31 pm IST)