Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

બુથ એપ.થી મતદાર ઓળખ કરાશેઃ પળેપળની ટકાવારી મળશે

ગુજરાતમાં સૌ પ્રથમ ૪ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં અત્યાધુનિક પ્રયોગઃ મતદાન પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે

રાજકોટ તા.રર : ગુજરાતમાં ૮ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી તા.૩ નવેમ્બરે યોજનાર છે. તે ૮ પૈકી ૪ વિધાનસભા મતક્ષેત્રો મોરબી, લીંબડી, ગઢડા અને કપરાડામાં (વલસાડ) બુથ એપ.નામનો અત્યાધુનિક પ્રયોગ કરવા ચૂંટણી પંચ દ્વારા તૈયારી ચાલી રહી છે.ગુજરાતમાં પ્રથમવખત જ આ પ્રકારનો પ્રયોગ થઇ રહ્યો છે. જેનાથી મતદાન મથકમાં મતદારની ઓળખ ઝડપી અને સરળ બનવા સાથે મતદાનની ટકાવારી ઓનલાઇન મળતી રહેશે.

આધારભૂત વર્તુળોમાં જણાવ્યા મુજબ બુથ એપ.માં એવી સુવિધા છે કે મતદાર પોતાની મતદાન સ્લીપ અથવા ચૂંટણી લડે સાથે મત દેવા આવે ત્યારે પોલીંગ ઓફીસર તેકાર્ડ સ્કેન કરશે તેનાથી ઓફીસરને પોતાના નિયત મોબાઇલ ફોનમાં તે મતદારના રંગીન ફોટા સાથેની તેને લગતી માહિતી મળશે. મતદાર યાદીમાં નામ શોધવાની જરૂર રહેશે નહિ. મતદારના પુરા નામથી પણ એપ.માં માહિતી શોધી શકાશે. જરૂરી પ્રક્રિયા પુરી કરીને તે મતદાન કરે તેની ઓનલાઇન બુથથી માંડીકેન્દ્રીય ચૂંટણી પંચ સુધી નોંધ થઇ જશે. કયા મતદાન મથકમાં કેટલું મતદાન થયું તેની પળેપળની માહિતી આંગળીના ટેરવે આવી જશે.

નવી એપ.ના કારણે મતદારની માહિતી સાથેની ખરાઇ ઝડપી અને સરળ બનશે. આ કામગીરી માટે પી.ઓ.વનને ખાસ તાલીમ આપવામાં આવી છે. સમગ્ર પધ્ધતિમાં ઇન્ટરનેટની જરૂર નથી. ઓફ લાઇન પ્રક્રિયા થઇ શકશે.

(4:05 pm IST)