Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

હજ કમિટી ઓફ ઇન્ડિયાએ ઇન્કમટેકસ રિટર્ન અંગે કોઇ સૂચના બહાર પાડી નથી

નવા વર્ષે હજના ફોર્મ ભરનાર ઉમેદવારોએ વધારાની કોઇ કાર્યવાહી કરવાની જરૂર નથી

અમદાવાદ, તા.રર : હજયાત્રાએ જનાર દરેક ઉમેદવારે ઇન્કમટેકસનું રિટર્ન ભરવું ફરજિયાત છે, ત મતલબના સમાચાર તાજેતરમાં મીડીયામાં અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, તે બાબતે હજ કમિટી ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે કમિટી તરફથી ઇન્કમટેકસ રિટર્ન અંગેની કોઇ સૂચનાઓ બહાર પાડવામાં આવેલ નથી.

ગુજરાત રાજય હજ સમિતિના સચિવે યાદીમાં જણાવ્યું છે કે, તાજેતરમાં મીડિયામાં અને વ્હોટ્સએપ ગ્રુપમાં ઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટ તરફથી હાજીઓ માટે ઇન્કમટેકસનું રિટર્ન ભરવાની શરત ફરજિયાત કરવામાં આવી છે, તે મતલબના સમાચાર વહેતા થયા છે. આ બાબતે હજ કમિટી ઓફ ઇન્ડીયા તરફથી ઇન્કમટેકસ રિટર્ન અંગેની કોઇ સુચનાઓ બહાર પાડવામાં આવેલ નથી. તેથી આવી સૂચનાઓના પગલે દરેક હાજીએ ફોર્મ ભરવાની શરતરૂપે પહેલા ઇન્કમટેકસ રિટર્ન ભરવું જ પડશે, તે બાબતને ગુજરાત હજ કમિટી સમર્થન આપતી નથી. ઇન્કમટેકસ એકટની જોગવાઇઓ જોતા એવું ફલિત થાય છે કે, કોઇપણ વ્યકિતએ વિદેશ પ્રવાસ પાછળ રૂપિયા બે લાખ કે તે કરતા વધારે ખર્ચ કર્યો હોય તો તેણે એ પછીના વર્ષમાં રિટર્ન ભરી તેમાં વિગતો દર્શાવવાની રહે છે. ઇન્કમટેકસની આ શરત કોઇ નવી શરત ની, આથી નવા વર્ષના હજના ફોર્મ ભરનાર હજયાત્રીઓએ આ તબક્કે કોઇ વિશેષ ચિંતા કરવાની કે, વધારાની કોઇ કાર્યવાહી કરવાની જરૂર રહેતી નથી. જો ઇન્કમટેકસ વિશે કાર્યવાહી કરવાની આવશે તો હજ કમીટી ઓફ ઇન્ડિયા દ્વારા પરિપત્ર અથવા હજ ર૦ર૧ની ગાઇડલાઇન દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.

(3:22 pm IST)