Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

પેટા ચુંટણી પછી પણ ગુજરાત કોંગીમાં રાજીનામા ચાલુ રહેશે

કોંગ્રેસવાળા માટે ચોંકાવનારી આગાહી કરતા પ્રશાંત વાળા

રાજકોટ, તા., ૨૨: ભાજપા મીડીયા વિભાગના પ્રદેશ કન્વીનર પ્રશાંત વાળાએ જણાવ્યું કે કોંગ્રેસમાં જુથવાદ અને આંતરીક વિખવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમીતભાઇ ચાવડાના કાર્યકાળમાં ૦૮ નહી પરંતુ ર૦ જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી છે. કોંગ્રેસનુ તુટવુ કે ડુબવુ એ કોઇ નવી ઘટના નથી પોતાના નેતાઓને સાચવી ન શકનાર કોંગ્રેસ પ્રજાનું શુ઼ ભલુ કરી શકશે ?  શ્રી વાળાએ વધુમાં જણાવ્યું કે રાજયસભાની ચુંટણી વખતે આપણને સૌને ખબર છે કે કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજીવ શુકલાનું નામ જાહેર થયેલ હતું. પરંતુ સામુહીક રાજીનામાના ભયને લીધે છેલ્લી ઘડીએ ભરતસિંહ ભાઇનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જો ભરતસિંહ ભાઇને ટીકીટ ના આપી હોત તો અમીતભાઇ ચાવડા પણ આજે કદાચ કોંગ્રેસમાં ના હોત.શ્રી વાળાએ જણાવ્યું હતું કે ગઇકાલ સુધી જે કોંગ્રેસમાં હતા તેવા સારા અને સનિષ્ઠ લોકો પર બેબુનીયાદ-પાયાવિહોણા આક્ષેપો કરી તેમને વગોવવાને બદલે કોંગ્રેસ પોતે આત્મમંથન કરવાની જરુર છે. ગુજરાતની આઠ-આઠ વિધાનસભા બેઠકો પર જનતાની ભાજપાને જે રીતનો પ્રેમ અને પ્રતિસાદ મળી રહયો છે તે જોઇ કોંગ્રેસ ડઘાઇ ગઇ છે. વિધાનસભા પેટા ચુંટણીઓમાં કારમા પરાજય બાદ અમીતભાઇનું પ્રમુખપદ પણ ડગુમગુ છે એટલે હાઇકમાન્ડને ખુશ રાખવા માટે તેણે વારંવાર આવા નિવેદનો કરવા પડે છે તેમ અંતમાં પ્રશાંત વાળાએ જણાવેલ છે.

(3:21 pm IST)