Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુર ભક્તોનો મહેરામણ ઉમટયો

ભવ્યાતિભવ્ય ગ્રંથરાજ વચનામૃતની પોથીયાત્રા - સ્વાગત યાત્રા વાઘજીપુરમાં કરવામાં આવી

 વિરમગામ:મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલું પંખીના માળા જેવું રળિયામણું ગામ આદર્શ વાઘજીપુર ગામ. આ ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે. જે હજારો આસ્થાળુઓ અને શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા એ પૂર્વ ગુજરાતના પંચમહાલ અને દાહોદમાં વસતા તે તે મુમુક્ષુ જીવો પર અપાર કરુણા કરી અને આજથી ૪૪ વર્ષ પહેલાં શ્રી સ્વામિનારાયણ મંદિરની રચના કરી હતી અને એમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ શ્રી અબજીબાપશ્રી અને સાર્વભૌમ નાદવંશીય  ગુરુ પરંપરાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.

  આજે પંચમહાલ અને દાહોદના સવાસો કરતાં પણ વધારે ગામોમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આશ્રિતો પ્રભુ ભજન કરી અને ભગવાનને રીઝવવા ભક્તિ કરી રહ્યા છે. વર્ષમાં જ્યારે પાટોત્સવ દિન આવે ત્યારે હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ભગવાનના દર્શન, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી  મહારાજના સમીપ દર્શન માટે ઉત્સુકતાથી ઉમટે છે. આજે પાટોત્સવ દિને પરમ પૂજ્ય સ્વામીજી મહારાજે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો ૪૪ મો પાટોત્સવ વિધિ, જલેબી, મોહનથાળ, મેસુબ વગેરે પકવાનો અને ફરસાણથી રસસભર અન્નકૂટ ધરાવી આરતી ઉતારી હતી.

   આ પ્રસંગે હરિભક્તોએ જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, ૧૫૦ કરતાં વધારે જરૂરિયાતમંદ વિધવા, ત્યક્તા બહેનોને સીવણ સંચાઓનું માનવસેવા અભિયાન અંતર્ગત વિતરણ તેમજ અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો આજના પ્રસંગે દર્શનાર્થે પધાર્યા હતા. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ શ્રવણ વગેરે  અનેક ધાર્મિક કાર્યક્રમો આજના દિવસે ઉજવવામાં આવ્યા હતા અને પાટોત્સવ ની પૂર્વસંધ્યાએ  શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી મુખવાણી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તથા શ્રીજી સ્વયંમૂર્તિ અબજીબાપા શતામૃત મહોત્સવના ઉપક્રમે ભવ્યાતિભવ્ય  ગ્રંથરાજ વચનામૃતની પોથીયાત્રા - સ્વાગત યાત્રા વાઘજીપુરમાં કરવામાં આવી હતી. જેમાં પણ હજારો હરિભક્તોએ લાભ લીધો હતો.

(10:26 pm IST)