Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

નરેન્દ્ર મોદી ૩૧ ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે

દેશના ગૃહમંત્રી અમિત શાહને શુભેચ્છા અપાઈ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિના અવસર પર ગુજરાત આવશે : અમિત શાહ ૨૫મીએ ગુજરાત યાત્રાએ

અમદાવાદ,તા.૨૨ : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાજપા પ્રદેશ કાર્યાલય ''શ્રી કમલમ'' કોબા, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, હું ગુજરાતનું ગૌરવ, માર્ગદર્શક, કુશળ રાજનીતિજ્ઞ, સ્પષ્ટવક્તા, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિત શાહને ગુજરાત ભાજપાના લાખો કાર્યકર્તાઓ તથા ગુજરાતની જનતા વતી જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સંસદસભ્ય તરીકે વારંવાર ગાંધીનગર લોકસભા વિસ્તારની મુલાકાત લઇ વિકાસકાર્યોની સમિક્ષા કરતા અમિત શાહ આગામી ૨૫ અને ૨૬ ઓક્ટોબર ૨૦૧૯એ પુનઃએકવાર ગુજરાતની મુલાકાત લેશે તથા ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી ૨૫ ઓક્ટોબરના રોજ સવારે ૯.૩૦ કલાકે ગાંધીનગર ખાતે લાભાર્થીઓને સહાય વિતરણના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સવારે ૧૧.૦૦ કલોલ ખાતે ઓવરબ્રિજના લોકાર્પણ તેમજ કલોલ એપીએમસીના પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન તથા નવી એપીએમસી કચેરીના બાંધકામનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત દિવ્યાંગો માટે સાધન-સહાય વિતરણ કાર્યક્રમમાં જોડાશે. ત્યારબાદ આગામી તારીખ ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બોપલ ખાતે ઔડા દ્વારા પૂર્ણ કરાયેલા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે તેમજ સાણંદ ખાતે લાભાર્થીઓને સહાય વિતરણ અને અન્ય વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી ૩૧મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ''સ્ટેચ્યુ ઓફ યુનિટી''ની મુલાકાત લઇ ''સ્ટેચ્યુ ઓફ યુનિટી'' ખાતે યોજાનાર વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. ''સ્ટેચ્યુ ઓફ યુનિટી'' આજે વિશ્વમાં એક આગવી ઓળખ ધરાવતું સ્થાન બની ચૂક્યુ છે અને દેશ-વિદેશના લોકો બહોળી સંખ્યામાં સરદાર સાહેબની વિશાળ પ્રતિમાને નિહાળી અભિભૂત થઈ રહ્યા છે. દિવાળી પર્વ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને દિવાળી પર્વ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના આંગણે પધારી રહ્યા છે તે ખૂબ જ આનંદની વાત છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, તારીખ ૨૧ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ યોજાયેલ ગુજરાત વિધાનસભાની ૬ બેઠક પરની પેટાચૂંટણીમાં તમામ બેઠકો પર જનતાજનાર્દનના આશીર્વાદથી ભાજપનો વિજય નિશ્ચિત છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી તથા અમિત શાહની પ્રજાલક્ષી કામગીરી અને રાજ્યમાં વિજય રૂપાણી- નીતિન પટેલની સંવેદનશીલ સરકારની કાર્યશૈલીથી ભાજપા જનતામાં પોતાનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવામાં સફળ નીવડી છે.

(10:22 pm IST)