Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

૩૩૦૦ લાખના વિકાસ કામની ઉંડી સમીક્ષા થઇ

વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા

અમદાવાદ,તા.૨૨ : મંત્રી મહેસુલ કૌશિક પટેલ, સુરત જિલ્લાના પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા આયોજન સમિતિની બેઠક મળી હતી. જેમાં સુરત જિલ્લા આયોજન મંડળના વર્ષ ૨૦૧૯-૨૦ના ૩૩૦૦ લાખના મંજુર કરાયેલ વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મંત્રી દ્વારા આયોજન મંડળના મંજુર થયેલ વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી, સુરત જિલ્લાના તાલુકા અને ગામોમાં પાયાના વિકાસલક્ષી કામો જેવા કે શિક્ષણ, પોષણ, આરોગ્ય, માર્ગ અને મકાન, પાણી પુરવઠામાં સંતુલન જળવાઈ રહે તે રીતે આયોજન કરવા ઉપસ્થિત રહેલ સભ્યો ને જણાવ્યું, પ્રભારી મંત્રીએ સ્થાનિકકક્ષાએ જનપ્રતિનિધિઓના સંકલનમાં રહી કામોની અગ્રમીતા નક્કી કરી આયોજનમાં સમાવેશ કરવા પર ભાર આપ્યો હતો. મહેસૂલ મંત્રી અને પ્રભારી મંત્રીએ જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સુરત જિલ્લાના અન્ય વિકાસના મોટા પ્રોજેક્ટસની પણ સમીક્ષા કરી કામગીરી સમયસર અને ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે સુચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો તથા જિલ્લા આયોજન સમિતિના સભ્યો  હાજર રહ્યા હતા.

 

(9:49 pm IST)