Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કારચાલકે ટક્કર મારી સ્કુટી અને બાઈક ચાલક ફંગોળ્યા

એસજી હાઇવે પર ચકચારી બનાવ બન્યો : અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળેટોળા ઉમટયા

અમદાવાદ, તા.૨૨ : સરખેજ-ગાંધીનગર હાઇવે પર ચીમનભાઈ પટેલ ઇન્સ્ટીટ્યુટ પાસે મોડી રાતે બેકાબુ બનેલા કારચાલકે એક સ્ફુટી અને બાઈકચાલકને ટક્કર મારી હતી. બહુ ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોને ઇજા થતાં સારવાર માટે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇકના ટુકડા થઈ ગયા હતા. જ્યારે કારનો પણ કાચ અને ડ્રાઇવર સાઈડનો ભાગ તૂટી ગયો હતો. એસજી ૨ ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે જરૃરી ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, એસજી હાઇવે પર ચીમનભાઇ પટેલ ઇન્સ્ટીટયુટ પાસે બલેનો કારના ચાલકે પોતાનું વાહન પૂરપાટઝડપે અને ગફલતભરી રીતે હંકારી એક સ્કુટ અને બાઇકચાલકને અડફેટે લીધા હતા અને તેમને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે સ્કુટીસવાર અને બાઇકચાલક ફંગોળાઇને જમીન પર પટકાયા હતા. આ ગંભીર અક્સ્માતમાં ત્રણ જણાંને ઇજા પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા અને થોડીવાર માટે ટ્રાફિક પણ ચક્કાજામ થઇ ગયો હતો. બનાવની જાણ થતાં એસજી ૨ ટ્રાફિક પોલીસ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને સમગ્ર મામલે જરૃરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(8:49 pm IST)