Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

હિન્દુ સમાજ પાર્ટીના પ્રમુખની હત્યા માટેનું કાવતરૂ ઘડાયું હતું

કમલેશ તિવારીની હત્યા કેસમાં નવો ખુલાસો : શખ્સોના વધુ એક ગંભીર કાવતરાનો પર્દાફાશ : આરોપી કૈફી અલીની ધરપકડ : ધરતી ફરસાણ પર ફરીથી તપાસ

અમદાવાદ, તા.૨૨ : હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ કમલેશ તિવારી હત્યાકાંડમાં વધુ એક નવો ખુલાસો સામે આવ્યો છે. ફરાર આરોપી અશફાક અને અન્ય આરોપીઓએ કમલેશ તિવારીની સાથે હિન્દુ સમાજ પાર્ટીના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ ગૌરવ ગોસ્વામીની પણ હત્યા કરવાનું ખતરનાક ષડયંત્ર રચ્યુ હતું. સુરતથી લખનઉ જતા સમયે અશફાક અને અન્ય આરોપીઓએ હિન્દુ સમાજ પાર્ટીના ઉતર પ્રદેશના અધ્યક્ષ ગૌરવ ગોસ્વામીને ફોન કરી કાર્યાલય પર આવવા માટે જીદ કરી હતી. જો કે, કામ વધુ હોવાના કારણે ગૌરવે મનાઈ ફરમાવી દીધી હતી. જેથી તેનો જીવ બચી ગયો હતો. ગૌરવે પણ આ ઘટનાની ખરાઈ કરી છે. બીજીબાજુ, તપાસનીશ એજન્સીએ આ ચકચારભર્યા હત્યા પ્રકરણમાં આરોપી મૌલવી સૈય્યદ કૈફી અલીની ધરપકડ કરી લીધી છે. તો, સુરત પોલીસની એક ટીમ વધુ તપાસ અર્થે લખનૌ રવાના થઇ છે. તો સ્થાનિક પોલીસે વધુ એક વખત સુરતના ધરતી ફરસાણ કે જયાંથી આરોપીઓએ મીઠાઇ ખરીદી હતી અને તે બોક્સ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર મૂકવા માટે વપરાયુ હતુ તે ધરતી ફરસાણ પર આજે વધુ તપાસ હાથ ધરી હતી.

                પોલીસે ધરતી ફરસાણના સીસીટીવી ફુટેજીસ વધુ એક વાર ચેક કર્યા હતા અને તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા કરનાર અશફાક હુસેન શેખે રોહિત સોલંકીના નામે નકલી દસ્તાવેજ બનાવી સોશિયલ મીડિયા દ્વારા કમલેશનો સંપર્ક કર્યો હતો. જય શ્રીરામના સૂત્રોચ્ચાર કરી કમલેશનો ભરોસો જીત્યો હતો. કમલેશ અને પક્ષના ગુજરાતના પ્રમુખ જૈમિન બાપુએ તેને સુરતમાં આઈટી સેલનો વડો બનાવ્યો હતો. હિંદુ સમાજ પાર્ટીના લેટર પેડમાં અશફાકનો ફોટો પણ જોવા મળ્યો છે. આ ચોંકાવનારી હકીકતો બહાર આવતા અશફાક કમલેશ તિવારીની પાર્ટીમાં હિંદુ બનીને કેવી રીતે જોડાયો તેના પર અનેક સવાલો ઊભા થયા છે. કમલેશ તિવારીની પાર્ટીના લેટરપેડમાં અશફાકની જેણે નિમણુંક કરી છે તે લેટરમાં પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ જૈમીન દવે(બાપુ)ની પણ સહી છે. જૈમીનની પત્ની ચાંદનીએ જણાવ્યું હતું કે, જે દિવસે અશફાક સુરતથી લખનઉ જવા નીકળ્યો ત્યારે ફોન કરી જૈમીનને કહ્યું હતું કે, તે કમલેશ તિવારીને મળવા જઈ રહ્યા છે. તા.૨૦ ઓક્ટોબરના રોજ થનાર અધિવેશનમાં ભાગ લઈ પરત ફરશે. આરોપી અશફાકે ૫૦ હજાર રૃપિયા પાર્ટી ફંડમાં આપવાની લાલચ જૈમિન અને કમલેશ તિવારીને આપી હતી. આઈટી સેલનો લેટર મળવા પર અશફાકે જૈમીનને બે હજાર રૃપિયા આપ્યા હતા. જો કે, જૈમીને ૫૦ હજાર રૃપિયા લેવાની મનાઈ ફરમાવી દીધી હતી. આશંકા છે કે, આરોપીઓ રૃપિયા પહોંચાડવાના બહાને જ હત્યા કરવાના હતા. જો કે, આ પ્લાન ફેઈલ જતા સુરતની મીઠાઈના નામે પહોંચી ગયા હતા.

(8:47 pm IST)