Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં પત્નીના આડા સંબંધની આશંકાએ યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

પત્ની સામેની ફરિયાદ નહીં લેતા યુવાને બેલ્ડથી હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો

વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશનમાં યુવાને પત્નીના પ્રત્યે શંકા રાખીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. પોલીસ સ્ટેશનમાં જ યુવાને શરીરે બ્લેડના ઘા મારતા લોહીલુહાણ થઇ ગયો હતો અને પોલીસ સ્ટેશનમાં જ ઢળી પડ્યો હતો. તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવાન પોલીસ કાર્યવાહીથી નારાજ હોવાનું પણ જાણવા મળ્યું છે.

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા શિયાપુરામાં દેવરાજ કોમ્પલેક્ષમાં રહેતો સુનિલ પોપટભાઇ રાવલ (32)  પત્નીના આડા સંબંધની શંકા રાખીને પત્ની સામે ફરિયાદ કરવા માટે રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જોકે પોલીસે ફરિયાદ ન લેતા તેને રાવપુરા પોલીસ સ્ટેશનમાં જ તેને બ્લેડ વડે બે હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને ગળાના ભાગે પણ ઇજા થઇ હતી. જેથી તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સુનિલ પોપટભાઇ રાવલ શિયાપુરા વિસ્તારમાં ચાની લારી ચલાવે છે અને એક મહિના પહેલાં પણ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

(8:40 pm IST)