Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

એડીસી બેંકની ૨૦૦મી બ્રાંચ ગોતામાં શરૂ : વધુ એક સિદ્ધિ

ન્યુ ગોતા શાખાનું માંડવીયાના હસ્તે ઉદ્ઘાટન : ગૃહમંત્રી અમિત શાહના જન્મદિન અને કલમ-૩૭૦ની નાબૂદીની ઉજવણીના ભાગરૂપે બેંક દ્વારા રકતદાન શિબિર યોજાઈ

એડીસી બેંકની ૨૦૦મી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, નરહરી અમીન, નાબાર્ડના ચીફ જનરલ મેનેજર અને બેંકના ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ, તા.૨૨ : ગુજરાત રાજયની જિલ્લા સહકારી બેંકમાં સૌથી વધુ ૨૦૦ શાખાઓનું નેટવર્ક ધરાવતી અગ્રીમ હરોળની ધી અમદાવાદ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંક લિ.ની એસ.જી હાઇવે પર ૨૦૦મી ન્યુ ગોતા શાખાનું આજરોજ કેન્દ્રીય કેમીકલ અને ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીન, નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ડી.કે.મિશ્રા, અમદાવાદ કલેકટર ડો.વિક્રાંત પાંડે, શહેરના મેયર શ્રીમતી બીજલબહેન પટેલ સહિતના મહાનુભાવો, બેંકના ડિરેકટરો, સહકારી આગેવાનો સહિતના મહાનુભાવો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

            સને ૨૦૦૦ની સાલમાં એડીસી બેંક બહુ નુકસાનીમાં હતી પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એ વખતના કપરા સમયે બેંકનુ સુકાન સંભાળ્યા બાદ બેંકને આર્થિક કટોકટી અને નુકસાનીની સ્થિતિમાં બહાર લાવી નફો કરતી બનાવી હતી. આજે અમિત શાહના જન્મદિવસ નિમિતે એડીસી બેંકની આ ૨૦૦મી શાખાનું ઉદ્ઘાટન કરાયું ત્યારે આ પ્રસંગે અમિત શાહના બેંકના ઉત્કર્ષ અને વિકાસ માટે અપાયેલા બહુમૂલ્ય યોગદાનને બિરદાવાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, એડીસી બેંક ટ્રસ્ટીશીપના સિધ્ધાંત મુજબ કામ કરી રહી છે અને તેના કારણે થાપણદારોનો મોટો ભરોસો તેની પર છે. એડીસી બેંકનું મોડલ માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશમાં અપનાવાય અને રાષ્ટ્રનિર્માણમાં સૌ કોઇ સહભાગી બને તે ઇચ્છનીય છે. આજના ઉદ્ઘાટન પ્રસંગમાં એડીસી બેંકના ચેરમેન અજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિન અને કલમ-૩૭૦ની નાબૂદીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક પગલાની ઉજવણીના ભાગરૂપે બેંક દ્વારા ખાસ રકતદાન શિબિરનું આયોજન કરી ૩૭૦ બોટલ લોહી એકત્ર કરવામાં આવ્યું હતુ અને તેનું પ્રમાણપત્ર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીને એનાયત કરાયું હતું. તેમણે ઉમેર્યું કે, અમિત શાહની દીર્ઘદ્રષ્ટિ અને કુનેહપૂર્વકના વહીવટી આયોજનના કારણે બેંક નફો કરતી થઇ અને સભાસદોને ડિવીડન્ડ અપાવાની શરૂઆત થઇ. આજે બેંકની કુલ ડિપોઝીટ રૂ.છ હજાર કરોડ ઉપરાંત, લો કોસ્ટ ડિપોઝીટ રૂ.૨૭૦૦ કરોડથી વધુની છે.

                   બેંકનું ધિરાણ રૂ.૩૬૦૦ કરોડથી વધુનુ છે.જે પૈકી એગ્રીકલ્ચર ધિરાણ રૂ.૨૪૦૦ કરોડ છે. આમ, બેંકનો કુલ બિઝનેસ રૂ.દસ હજાર કરોડને પાર થવા જઇ રહ્યો છે. દરમ્યાન આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીને જણાવ્યું કે, એડીસી બેંક એશિયાની સૌથી મોટી બેંક છે. તેનું શેરભંડોળ રૂ.૫૪.૭૦ કરોડ તથા બેંકનું રિર્ઝવ ફંડ રૂ.૪૯૧ કરોડનું છે. બેંક સતત છેલ્લા છ વર્ષથી ઝીરો નેટ એનપીએ સાથે બેંકનો વહીવટ નફા સાથે ચાલી રહ્યો છે. આ પ્રસંગે ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એડીસી બેંક આપણી પોતાની બેંક છે અને બેંકના વિકાસમાં અમિતભાઇ શાહનું બહુ મોટુ યોગદાન રહ્યું છે. જેમણે ખેડૂતો, નાના અને મધ્યમવર્ગના લોકો માટે બેંક મારફતે અનેક આયામો જોડયા. તો, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, એડીસી બેંકે ખેડૂત વર્ગ, સભાસદો, ખાતેદારો, નાના અને મધ્યમ વર્ગ સહિત તમામ લોકોમાં એક મજબૂત વિશ્વસનીયતા ઉભી કરી છે. અગાઉ ખેડૂતોને ખેતીવિષયક ધિરાણમાં ૧૭થી ૧૮ ટકા જેટલા ઉંચા વ્યાજના દરોની સામે આજે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ મળી રહે છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે બેંકના વિકાસ અને તેની સફળ સફર માટે અમિતભાઇ શાહ અને ચેરમેન અજયભાઇ પટેલની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, આ બેંક થોડા વર્ષોમાં તેના સો વર્ષ એટલે કે, શતાબ્દી વર્ષની ઉજવણી કરવા જઇ રહી છે, તે ગૌરવપૂર્ણ બાબત કહી શકાય. બેંકના ડિરેકટર બિપીનભાઇ પટેલે આજના પ્રસંગની આભારવિધિ કરી હતી.

(7:55 pm IST)