Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

નડિયાદમાં એસટી બસ સ્ટેન્ડની બહાર રીક્ષા ચાલકોની દાદાગીરી: વેપારીએ રીક્ષા હટાવવાનું ક્હેતા ઢોરમાર માર્યો: માથાભારે રીક્ષા ચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

નડિયાદ: શહેરના એસટી. સ્ટેન્ડ બહાર જલારામ પ્રોવીઝન સ્ટોર આવેલ છે. આજે સવારના સમયે સ્ટોરના માલિક દુકાન પર આવ્યા તે સમયે દુકાનની બહાર રીક્ષાઓ પાર્ક કરેલી હતી. જેથી સ્ટોરના માલિકે રીક્ષા હટાવવા માટે રીક્ષા ચાલકને જણાવ્યુ હતુ. પરંતુ રીક્ષા ચાલકે રીક્ષા બાજુમાં કરવાના બદલે સ્ટોર માલિક સાથે રકઝક શરૂ કરી દીધી હતી. જોત જોતામાં નાની વાત મોટી થઇ જતા રીક્ષા ચાલક દુકાનદારને ધમકી આપી ત્યાથી ચાલ્યો ગયો હતો. થોડી વાર બાદ પોતાના અન્ય સાથીદારો સાથે આવેલ રીક્ષા ચાલક અને તેના અન્ય મિત્રોએ ગેરકાયદેસર મંડળી રચી દુકાનદાર કમલેશભાઇ અને રાહુલભાઇ પર હુમલો કરી દીધો હતો. એસટી સ્ટેન્ડ બહાર અને પોલીસના ટ્રાફિક પોઇન્ટની બરાબર સામે આવેલ દુકાનમાં અસામાજિક તત્વોએ ગમતેવી ગાળો બોલી દુકાનમાં ઘૂસી ગયા હતા અને દુકાનનો સામાન વેર વીખેર કરી રસ્તા પર ફેકી દીધો હતો. એસટી સ્ટેન્ડ બહાર પ્રકારની ઘટના ઘટતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. રીક્ષા ચાલકો દ્વારા દુકાનદાર પર હુમલો કરવા મામલે કમલેશભાઇએ નડિયાદ ટાઉન પોલીસ મથકે લેખીત ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(5:54 pm IST)